Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે (19 એપ્રિલ) 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થયું હતું. પરંતુ ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષોએ હજુ સુધી તેમના તમામ લોકસભા ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબલે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, નાસિક લોકસભા બેઠક પરથી અજિત પવારની એનસીપી તરફથી છગન ભુજબલનું નામ આગળ હતું.
હું નાસિકથી ઉમેદવાર નહીં બનીશ: છગન ભુજબલ
મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયનો ચહેરો ગણાતા નેતા છગન ભુજબલે કહ્યું કે, ‘હું નાસિકની લોકસભા બેઠક માટે ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને અન્ય તમામ નેતાઓનો મારામાં જે વિશ્વાસ દાખવ્યો છે તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. ઘણો સમય વ્યય થઈ રહ્યો છે અને માત્ર ચર્ચાઓ થઈ રહી છે. એટલા માટે હું આ લડાઈમાંથી ખસી રહ્યો છું.’
એનસીપીના નેતા છગન ભુજબલે કહ્યું કે, ‘નાસિક લોકસભા બેઠક અંગેનો મામલો હજુ સુધી સ્પષ્ટ થયો નથી. એમવીએ ત્રણ અઠવાડિયા પહેલા તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી અને પ્રચાર શરૂ કર્યો હતો. આપણે જેટલો લાંબો સમય લઈશું તેટલું વધુ નુકસાન આપણે કરીશું. મેં નક્કી કર્યું છે કે હું નાસિકથી ઉમેદવાર નહીં બનીશ.’
બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ
મહારાષ્ટ્રમાં મહાયુતિના સાથી પક્ષોમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. આ ત્રણેય પક્ષો વચ્ચે ઘણી બેઠકો પર ટિકિટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ સમજૂતી થઈ શકી નથી, પરંતુ શિવસેનામાં ટિકિટ મેળવવાની આશા રાખતા નેતાઓએ પોતાના નામાંકનને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા છતાં પ્રચાર શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો: PM મોદીએ સનાતન વિરોધી નિવેદન પર આપ્યો જવાબ, ઈન્દિરા ગાંધીની રૂદ્રાક્ષ માળાનો કર્યો ઉલ્લેખ