– હાલ 30 વર્ષના મનોજ જયસ્વાલે 2013માં 15 વર્ષના પિતરાઈ ભાઈ અને અન્યો સાથે મળી ચાલીમાં રહેતા દિપક શાહુનું ગળું કાપી નાખ્યું હતું
– પોલીસથી બચવા જુદાજુદા રાજ્યોમાં મજૂરીકામ કરતા બંને હવે પોલીસ તેમને શોધવા નહીં આવે તેમ માની થોડા વર્ષો અગાઉ પોતાના વતન પરત ફર્યા હતા
સુરત, : સુરતની સચીન જીઆઈડીસી કામરાન ભાઈની ચાલમાં વર્ષ 2013 માં ધુળેટીના રંગમાં ભંગ પાડનાર ચાલીમાં રહેતા યુવાનની હત્યા કરી ફરાર યુવાન અને તેના પિતરાઈ ભાઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશ અને સુરત ખાતેથી ઝડપી લીધા છે.પોલીસથી બચવા જુદાજુદા રાજ્યોમાં મજૂરીકામ કરતા બંને હવે પોલીસ તેમને શોધવા નહીં આવે તેમ માની થોડા વર્ષો અગાઉ પોતાના વતન પરત ફર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના સિંગરોલી જીલ્લાનો વતની અને હાલ 30 વર્ષનો મનોજકુમાર શંકરભાઈ જયસ્વાલ વર્ષ 2013 માં તેના 15 વર્ષના પિતરાઈ ભાઈ સાથે સુરતની સચીન જીઆઈડીસી રોડ નં.2 પ્લોટ નં.102 કામરાન ભાઈની ચાલમાં ભાડાના મકાનમાં રહી મજુરીકામ કરતો હતો.તે સમયે ધુળેટીના તહેવારમાં મનોજ, તેનો પિતરાઈ ભાઈ પોતાના રૂમની બહાર સ્પીકર ઉપર ગીતો વગાડી અન્યો સાથે ગ=ધુળેટી રમતા હતા.ત્યારે ચાલમાં અન્ય રૂમમાં રહેતા દિપકકુમાર લીલામણી શાહુને તે નહીં ગમતા તેણે સ્પીકર તોડી નાખી મનોજ, તેના પિતરાઈ ભાઈ અને અન્ય એકને માર માર્યો હતો.તેનો બદલો લેવા મનોજ, તેના પિતરાઈ ભાઈ અને અન્યએ ધુળેટીના બીજા દિવસે રાત્રે દિપકકુમાર પોતાના રૂમમાં એકલો હોય તેનું ગળું કાપી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયા હતા.
આ અંગે સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જોકે, હત્યા કર્યા બાદ મનોજ અને તેનો પિતરાઈ ભાઈ સુરત છોડીને અલગ અલગ રાજ્યોમાં રહી મજૂરીકામ કરતા હતા.હત્યાના બનાવને લાંબો સમય વીતી જતા હવે પોલીસ તેમને શોધવા નહીં આવે તેમ માની મનોજ વર્ષ 2019 માં વતન પરત ફર્યો હતો.હાલ તે વતનમાં હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચીંગ સ્ક્વોડના પીએસઆઈ અને ટીમને મળતા એક ટીમ તેના વતન પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો.જયારે હત્યા સમયે 15 વર્ષનો અને હાલ 26 વર્ષનો તેનો પિતરાઈ ભાઈ રોજીરોટી માટે સુરતમાં હોવાની તેની કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને સુરતમાંથી જ ઝડપી પાડી તેમનો કબજો સચીન જીઆઈડીસી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.