કેમિકલના વેપારીને અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો
વેપારી પાસેથી ટોળકીએ રૂપિયા 23.30 લાખ પડાવ્યા
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કેમિકલના વેપારીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 23.30 લાખ પડાવનાર ટોળકીને સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ટોળકી સુરતની છે ત્યારે એમના દ્વારા બીજા કેટલાક લોકોના પણ તોડ કરાયા હોવાની આશંકા છે.
ભટાર રોડના કેમિકલના વેપારીને અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો
ભટાર રોડના કેમિકલના વેપારીને અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપી કહ્યું હતું કે, તમારું એક પાર્સલ જે તમે મુંબઈથી તાઈવાન મોકલ્યું છે, તેને કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે. પાર્સલમાં પાંચ પાસપોર્ટ છે, ચાર ક્રેડિટ કાર્ડ છે અને એક લેપટોપ, 200 ગ્રામ એમ.ડી.આર.ટી., એક સાડી, ચાર કિલો કપડાં છે. વેપારીએ આવું કોઈ પાર્સલ મે મંગાવ્યું નથી એમ કહેતા અજાણ્યાએ મુંબઈ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરાવ્યો હતો. વેપારીએ ફોન કરતા મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી પ્રકાશકુમાર તરીકે ઓળખ આપી અજાણ્યાએ સ્કાય પે એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ વેપારીને સતત નવ કલાક વીડિયો કોલ ચાલુ રખાવી ધંધાકીય, પરિવાર, સહિત અન્ય પૂછપરછ કરી અને વીડિયો કોલ કટ ના કરવા દઈ ઠગટોળકીએ ટોર્ચર કરી અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂ.23.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગુનાની તપાસ સુરત શહેર સાયબર ક્રાઈમ કરી રહી હતી.
આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ
દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી (1) નૈવીલ ઉર્ફે બિટુ મહેશભાઈ અંબાલાલ હેડાઉ (ઉ.વ.25 રહે.અંબિકા નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોસાડ અમરોલી મુળ. મહારાષ્ટ્ર) (2) મહેશભાઈ પ્રવીણભાઈ સંધ્યા (ઉ.વ.23 રહે. અંબીકા નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમરોલી મુળવતન જામનગર) (4) ધ્રુવ ઉર્ફે ધુલો પરસોતમભાઈ વેકરીયા (ઉ.વ.21 રહે.ભક્તિનંદન સોસાયટી, સુદામા ચોક, મોટા વરાછા મુળવતન ભાવનગર) (4) પાર્થ ધીરજલાલ જોધાણી (ઉ.વ.29 રહે.ઓમકાર રો-હાઉસ, ઉત્રાણ મુળવતન જુનાગઢ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાઇબર ક્રાઈમમાં લોકોએ લાખથી લઇ કરોડો રૂપિયા ગુમાવ્યા
આ પ્રકારના ક્રાઇમમાં સૌથી વધુ ભોગ હાઇ પ્રોફાઇલ એટલે કે ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, સોશિયલી એક્ટિવ કે સોશિયલી જાણીતી વ્યક્તિઓ વધુ ભોગ બની રહી છે. સાઇબર માફિયા પોલીસતંત્ર ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઝ ઇડી, સીબીઆઇ,સીઆઇડી તથા આઇટીના નામે લોકોને વીડિયો કોલ કરી દેશ વિરોધી કાર્યમાં સંડોવણી બહાર આવી હોવાની દમદાટી આપી રીતસર પોલીસની સ્ટાઇલમાં ઇન્ટ્રોગેશન-પુછપરછ કરે છે. ઓનલાઇન આ પુછપરછ 3 કલાકથી લઇ 20-22 કલાક સુધીની હોય છે. જેને કારણે લોકો એ હદે ડરી કે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે કે સામેવાળી વ્યક્તિ જે કહે તે કર્યા કરે છે. આ પ્રકારના સાઇબર ક્રાઈમમાં લોકોએ લાખથી લઇ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.
ડિજિટલ એરેસ્ટ (ધરપકડ)એ નવું સાઇબર ક્રાઇમ
ડિજિટલ એરેસ્ટ (ધરપકડ)એ નવું સાઇબર ક્રાઇમ છે. જેમાં સાઇબર માફિયા વીડિયો કોલ કરી વ્યક્તિને પોતાની ઓળખ પોલીસ ઓફિસર્સ તરીકે આપે છે. ઓનલાઇન પોલીસ અધિકારીનો સ્વાંગ કહો કે ઢોંગ રચી જે-તે વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે, તમારા આધારકાર્ડ, સીમકાર્ડ તથા બેંક એકાઉન્ટનો ગુનાઇત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થયો છે એવું કહી ડરાવી- ધમકાવી એક રીતે વર્ચ્યુઅલી તે વ્યક્તિને ઇન્ટ્રોગેશનના નામે બાનમાં લે છે. કલાકો સુધી ટોર્ચરિંગની આડમાં બ્રેઇન વોશ કરી પૂછપરછના નામે પર્સનલ વિગતો લઇ છેતરપિંડી કરે છે, જો વ્યક્તિ ડિજિટલી પુછપરછ માટે તૈયાર- સંમત નહિ થાય તો વોરન્ટ ઇશ્યુ કરી ધરપકડ કરવાની ધમકી આપવામાં આવે છે. સાઇબર માફિયા પોલીસ અધિકારીના ફોટા, યુનિફોર્મ તથા જે તે રાજ્યની પોલીસના લોગોનો ઉપયોગ કરી લોકોને ઝાંસો આપે છે.