Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જુનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કલેક્ટર કચેરીની બહાર PSI અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી.
ધારાસભ્ય વિમલ ચુડાસમાં અને PSI વચ્ચે રકઝક
મળતી માહિતી અનુસાર, જુનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા. આ દરમિયાન બંદોબસ્તમાં રહેલા PSIએ વિમલ ચુડાસમાની કાર સહિતનો કાફલો રોકતા તેઓ ગુસ્સે થયા હતા અને જાહેરમાં PSI સાથે રકઝક થઈ હતી. વિમલ ચુડાસમાએ PSIને કહ્યું હતું કે, ‘હું પ્રજાનો પ્રતિનિધિ છું. ડીવાયએસપી પણ ન રોકી શકે. તમે કાયદા પ્રમાણે વર્તન કરો. કાયદો જેમ અમને લાગુ પડે છે એમ તમને પણ પડે છે. ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો.’
મહાદેવના દર્શન કરીને હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યું
જુનાગઢ બેઠકથીના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા ભવનાથ મહાદેવ અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ દોમડીયા વાળી ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસના કાર્યકરોની સાથે જુનાગઢના પ્રભારી વિક્રમ માડમ, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પક્ષના નાના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સભા બાદ હીરા જોટવાએ જુનાગઢના જાહેર માર્ગો પર પગપાળા રેલી યોજી કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.