Lok Sabha Elections 2024 : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે.
બંને ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું છે. આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે.
અલ્પેશ અને ધાર્મિક બંને વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ(PAAS)માં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના જેલ ગયા બાદ પાટીદાર આંદોલનની કમાન આ બંનેએ સંભાળી હતી. ત્યારબાદ વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. અલ્પેશ કથરીયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.
કોણ છે અલ્પેશ કથીરિયા? તેમના પત્ની છે ભાજપના નેતા
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. હાલ તેઓ નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. અલ્પેશ 2015થી ચર્ચામાં છે. અલ્પેશ કથીરિયાની હાર્દિક પટેલ સાથે 2015માં મુલાકાત થઈ હતી. ત્યારથી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે. તો અલ્પેશ કથીરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા. જોકે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ બાબતે શરૂઆતમાં ખુબ જોર પકડ્યું હતું.