– જિલ્લામાં મતદાન જાગૃતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
– મતદારોને જાગૃત કરવા સેલ્ફી પોઈન્ટ મુકવા, રેલી યોજવી, શપથ લેવડાવવા સહિતની સૂચના અપાઈ
ભાવનગર : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એસવીઇઇપી (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીના સભ્યો સાથે મતદાન જાગૃતિ અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી વધે તેમજ વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે સ્વીપ કાર્યક્રમ હેઠળ વધુ લોકો ભેગા થતાં હોય તેવા સ્થળો પર સેલ્ફી પોઈન્ટ મુકવા, નાના ગામ તથા સેન્ટરોમાં મતદાન જાગૃતિનો સંદેશો પહોચે તે માટે રેલી યોજવા, મતદાન કરવા અંગેના શપથ લેવડાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવાની સાથે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને ચૂંટણી અંગેની અવનવી માહિતી સમયસર પહોચાડવા જરૂરી સુચનો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન પૂરૂ પાડયંત હતું.
બેઠકમાં કલેકટરએ ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન કરવા અંગે પ્રેરિત કરતાં વિડીયો પણ દ્રષ્ટાંત રૂપે રજૂ કર્યા હતા તેમજ સોશિયલ મીડિયા ઈન્ફલુન્ઝર અને જિલ્લાના દિવ્યાંગ આઈકોન સાથે સંવાદ સાધીને સોશિયલ મીડિયા થકી વધુને વધુ મતદાન કરવા અંગેની જનજાગૃતિ ફેલાવવા અંગેનું માર્ગદર્શન આપવા ઉપરાંત નવા મતદારો, દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ મતદારો, ખાનગી સંસ્થાઓમાં કરી કરતા મતદારો વધુ જાગૃત બને અને મતદાન મથકોએ પૂરતી સગવડતા મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર પ્રવૃત્તિ અંગે કલેકટરને માહિતગાર કર્યા હતાં. આ બેઠકમાં જવાબદાર અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી.