– પ્રયાગરાજ-અમદાવાદ ટ્રેનમાંથી
– આણંદ રેલવે પોલીસે બંનેને મૈસુર ડીસ્ટ્રીક્ટ પોલીસને હવાલે કર્યાં
આણંદ રેલવે પોલીસની ટીમ ગત તા.૧૩મી એપ્રિલના રોજ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બપોરે સાડાચાર વાગ્યા આસપાસ આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૩ ઉપર પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન આવીને ઉભી રહી હતી.
દરમિયાન પોલીસ દ્વારા જનરલ કોચમાં ચેકિંગ હાથ ધરતા એક યુવક સગીર વયની કિશોરી સાથે બેસેલી જોવા મળતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી શંકાને આધારે પોલીસે બંનેને ટ્રેનમાંથી ઉતારી આણંદ રેલવે પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા તે વિશાલ અમિત મુંડા (ઉં.વ.૧૯, રહે. શીવસાગર છપહરી, થાણા) મજૂરી કામ કરતો હોવાનું અને સાથેની સગીરાને તે અપહરણ કરી લઈ જતો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા કર્ણાટકના મૈસુર ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં ગત તા.૭ એપ્રિલે સગીરાના અપહરણનો ગુનો દાખલ થયેલો હોવાથી મૈસુર ડીસ્ટ્રીક્ટ પોલીસનો સંપર્ક કરી મંગળવારે વધુ કાર્યવાહી માટે યુવક અને સગીરાને મૈસુર ડીસ્ટ્રીક્ટ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.