Image : IANS
IPL 2024: રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના ઓપનર જોશ બટલરે (Josh Buttler) આઈપીએલની વર્તમાન સિઝનમાં બીજી સદી ફટકારતાં ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. કોલકાતા સામે રાજસ્થાને વિકેટો ગુમાવી ત્યારે બટલરે એક છેડો સાચવી રાખતાં જે પ્રકારે ટીમને યાદગાર જીત અપાવી તેના ભારોભાર વખાણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર હરભજન સિંહે (Harbhajan Singh) કર્યા છે.
ધોનીના સતત ત્રણ છગ્ગા હજુ ચર્ચામાં
હરભજને ચાહકોને અપીલ કરી હતી કે, આપણે બટલરને પણ કોહલી-ધોની જેવો આદર-સન્માન આપવા જોઈએ. બટલર જેવી જ સદી જો કોહલીએ ફટકારી હોત તો બે મહિના સુધી તેના ગુણગાન ગવાત. ચેન્નઈ (CSK)ના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર ધોની ( Mahendra Dhoni)એ મુંબઈ સામે છેલ્લા ચાર બોલમાં ફટકારેલા સતત ત્રણ છગ્ગા હજુ ચર્ચામાં છે. ત્યારે બટલરની આ ક્લાસિક ઈનિંગને પણ આપણે ખેલદિલીથી બીરદાવવી જોઈએ.
બટલરે IPLમાં આ સાતમી સદી ફટકારી
બટલરે આઈપીએલના ઈતિહાસમાં આ સાતમી સદી ફટકારી હતી અને ગેલને પાછળ રાખી દીધો હતો. હવે આઠ સદી ફટકારનારો કોહલી જ તેના કરતાં આગળ છે. હરભજને કહ્યું કે, બટલર વિશિષ્ટ ખેલાડી છે. તેનું સ્તર સાવ અલગ જ છે. વળી, તેણે આવું પહેલીવાર કર્યું નથી. તે અગાઉ પણ આવું કરી ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ આપણને તેની આવી ઈનિંગ જોવા મળશે. તે ખરેખર અદ્ભુત ખેલાડી છે. આપણે તેના અંગે ખાસ વાત કરતાં નથી, કારણ કે તે ભારતીય ખેલાડી નથી.
ધોની-કોહલી જેટલું જ સન્માન બટલરને આપવું જોઈએ : હરભજન
હરભજને ઊમેર્યું કે, આપણે ધોની અને કોહલી જેટલું જસન્માન બટલરને આપવું જોઈએ. આપણે જે પ્રકારે આપણા ખેલાડીઓની સિદ્ધિઓ અને રમતને બિરદાવીએ છીએ તેવી જ રીતે આપણે આપણે બટલરની રમતને બિરદાવવી જોઈએ. તે પણ આ રમતનો એક મહાન ખેલાડી છે. જ્યારે સામેના છેડેથી બેટ્સમેનો આઉટ થતાં હોય ત્યારે ધીરજ રાખવી મુશ્કેલ હોય છે. જોકે બટલરે જરુરિયાત અનુસાર બેટિંગ કરી છે. તેણે ચોગ્ગા-છગ્ગા તો ફટકાર્યા જ છે, સાથે સાથે સિંગલ અને ડબલ પણ લીધા છે. આવું ઓછું જોવા મળે છે.