– પાલિકા બેવડી નીતિ રાખતું હોવાના આક્ષેપ

– ટૂંકી ગલી વિસ્તારમાં દબાણો અંગે અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન 

આણંદ : આણંદની ટુંકી ગલી ખાતે વ્યવસાય કરતા વ્યવસાયકારોના જગ્યાના પ્રશ્નના ઉકેલ માટે પાલિકા સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી સિટી બસ સ્ટેન્ડવાળી જગ્યાએ વેન્ડર્સને જગ્યા ફાળવવામાં આવતા પાલિકાની એકને ગોળ અને અન્યને ખોળની નીતિ હોવાનો આક્ષેપ ઉઠયો છે. 

આણંદ-વિદ્યાનગર રોડ પર આશરે પાંચેક વર્ષ પૂર્વે પાલિકા શાસકો દ્વારા સિટી બસ સ્ટેન્ડને તોડી કોમર્શીયલ સંકુલ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં શાસકો વચ્ચે  વહીવટની મડાગાંઠ ઉભી થવા સાથે સ્થાનિકો દ્વારા તે સ્થળે બગીચો બનાવવાની માંગ કરવામાં આવતા પરિસ્થિતિ જૈસે થે રહેવા પામી હતી. 

બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઉભા કરવાના આયોજનના પગલે આણંદ પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેની મંજૂરી ટલ્લે ચઢતા છ માસ પૂર્વે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લારી-પાથરણાંવાળાને જગ્યા ફાળવવાની પ્રક્રિયા હાથ ધરતા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરતાં તેને વિપક્ષના હોબાળાના કારણે મોકૂફ કરવામાં આવ્યો હતો. 

જેના કારણે શહેરના જૂના બસ મથક નજીકની ટુંકી ગલીમાં હપ્તારાજથી વ્યવસાયકારોને વ્યવસાયિક છુટ આપવામાં આવી હોવાના આક્ષેપ ઉઠયાં છે. બે માસ પૂર્વે વિદ્યાનગર માર્ગ પરના સિટી બસ સ્ટેન્ડવાળી ખુલ્લી જગ્યા પર ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરવાની મંજૂરી આપવામાં આવતા પાલિકા શાસકોની એકને ગોળ અન્યને ખોળના નિતિ હોવાનો રોષ શહેરીજનોમાંથી ઉઠયો છે.

ઉલ્લેખનીય છે કે, ટુંકી ગલી જે પાલિકા હસ્તકની જગ્યા હોવા છતાં કેટલાક દુકાનદારોએ લારી-પાથરણાવાળાની જગ્યા હસ્તે કરી બારોબાર ભાડું વસુલતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા યોગ્ય નિર્ણય લેવા છાશવારે રજૂઆત કરવામાં આવી છે.  છતાં પાલિકા દ્વારા યોગ્ય આયોજન હાથ ન ધરાતા સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *