– રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજના લોકોની માંગણી યથાવત
– રૂપાલા અને ભાજપના નેતૃત્વ કર્તાઓને વિવેક બુધ્ધિ આપે તે માટે મહાઆરતીમાં પ્રાર્થના કરાઈ
શહેરના વાઘાવાડી રોડ પર આવેલ વેલેન્ટાઈન સર્કલ પાસે આજે બુધવારે સાંજના સમયે ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ પુતળા દહન કર્યુ હતું. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા યુવાનો ફરાર થઈ ગયા હોવાનુ જાણવા મળેલ છે. આ ઉપરાંત શહેરના નવાપરામાં આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે રામનવમીના પવિત્ર દિવસે મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રૂપાલા અને ભાજપમાં નેતૃત્વ કરતા લોકોને વિવેક બુધ્ધિ આપે તેમજ યોગ્ય નિર્ણય લેવડાવે તેવી પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસો પૂર્વે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી. ભાજપે હજુ રૂપાલાની ટિકિટ રદ કરી નથી તેથી સતત વિરોધ વધી રહ્યો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.