– રામમંદિર નિર્માણ બાદની પહેલી રામનવમીને લઈને ગોહિલવાડમાં ભારે ઉત્સાહ
– મહુવા, ગરિયાધાર, તળાજા, પાલિતાણા, સિહોર સહિતના તાલુકા મથકોમાં તથા અનેક ગામડાઓમાં શોભાયાત્રા નિકળી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ચૈત્ર સુદ નોમ ભગવાન રામના જન્મમોત્સવની ભાવનગર જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. રામમંદિરના નિર્માણ બાદની આ પહેલી રામનવમી હોવાથી રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મહુવા, ગરિયાધાર, તળાજા, પાલિતાણા, સિહોર સહિતના તાલુકા મથકોમાં તથા જિલ્લાના અનેક ગામડાઓમાં રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળોએ શોભાયાત્રા, રામદરબાર, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. તળાજામાં વિશ્વહિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી અવસરને લઈ વારાહી મંદિરેથી શાોક્ત વિધિ સાથે અદમ્ય ઉત્સાહ સાથે પ્રભુશ્રીરામ ની ભવ્યશોભાયાત્રા યોજવામાં આવી હતી. જય શ્રીરામ ના નારાઓ,ડીજે ના તાલ તળાજા શહેરના રાજમાર્ગો પરથી નિકળેલી શોભાયાત્રાના રૂટમાં રંગોળી દોરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલિતાણામાં રામનવમી નિમિત્તે રામીમાળી જ્ઞાાતિ રામમંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવેલી શોભાયાત્રા શહેરના દાણાપીઠ, મેઈનબજાર, ભૈરવનાથ ચોક, બહારો બારનો રસ્તો, ભીડભંજન મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ માળીના મંદિરે આવી પહોંચી હતી. તેમજ ગારિયાધાર શહેરમાં રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ આયોજીત શોભાયાત્રા ભીડભંજન મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી જે શહેરના રાજમાર્ગો પરથી નિકળી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. સિહોરમાં આજે સવારે સાડા નવ વાગ્યે પાબુજી મંદિરથી પ્રસ્થાન થયેલી રામનવમીની શોભાયાત્રા સિહોર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મુક્તેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત મહુવામાં અખંડ રામધૂન મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રા માધાતા ચોક પરશુરામ ચોક જનતા પ્લોટ ખાતેથી પસાર થઈ શિવાજી ચોક ખાતે મહાઆરતી સાથે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જિલ્લાના જુદાં-જુદાં સ્થળોએ નિકળેલી શોભાયાત્રામાં ભક્તોને ગરમીમાં રાહત મળે તે માટે છાશ, શરબતના વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.