– હવે વીજબિલ ભરવાના બદલે મોબાઈલની જેમ રિચાર્જ કરવું પડશે
– સબ-ડિવિઝનમાં 17 હજાર ગ્રાહકોના વીજ મીટરના સર્વેની કામગીરી પૂર્ણ
આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે. જેમણે આ અંગેની કામગીરી ખાનગી કંપનીને આપેલી છે. ગત માર્ચ માસમાં કંપનીના વિવિધ ટીમના સભ્યો દ્વારા ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર, મીટર બોક્સ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કરવામાં આવી હતી. શહેરના શાસ્ત્રી ડિવિઝનમાં લગભગ ૧૭ હજાર ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો છે.
આમ આ સપ્તાહના અંતિમ ગાળામાં નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક ઉપર નહીં આવે. સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહક દ્વારા કરાતા વીજ વપરાશ મુજબ જ બીલ આવશે.
ઉલ્લેખનીય છે કે, વીજ બીલ આવ્યા બાદ તેના નાણાં ભરવાની અને સમય મર્યાદામાં વીજ બીલ ન ભરાય તો વીજ સપ્લાય કટ કરવાની સીસ્ટમ હાલ ચાલે છે પરંતુ નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરમાં મોબાઈલના સીમકાર્ડની જેમ અગાઉથી નાણાં જમા કરાવવા પડશે. એટલે કે જેટલા એડવાન્સ નાણાં ભર્યા હશે તે મુજબ વીજ ગ્રાહક વીજળીનો વપરાશ કરી શકશે. ગ્રાહકોએ ગુગલ પ્લે સ્ટોર પરથી પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી, એસજીવીસીએલ તરફથી પ્રાપ્ત એસએમએસ પર ગ્રાહક નંબરનો ઉપયોગ કરી નોંધણી કરાવવાની રહેશે. બાદમાં એપમાં લોગ-ઈન થયા બાદ રિચાર્જ કરાવવાનું રહેશે.
વીજચોરીના બનાવોમાં ઘટાડો થશે
એમજીવીસીએલ તંત્રના જણાવ્યા મુજબ, વીજ ચેકિંગ વખતે કર્મચારીઓ પર હુમલા થતા હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. તેમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં થાંભલા પરથી ડાયરેક્ટ કનેક્શન મેળવી મોટા પ્રમાણમાં વીજ ચોરી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરના કારણે ગ્રાહકને ફરજિયાત ઘર વપરાશ માટે વીજ જોડાણ લેવું પડશે. જેથી વીજ ચોરીના બનાવોમાં પણ ઘટાડો નોંધાશે. સાથે સાથે નવા પ્રિપેઈડ મીટર કાર્યરત થયા બાદ ગ્રાહકને રોજે રોજના વીજ વપરાશનો મેસેજ તેમના મોબાઈલમાં ઉપલબ્ધ થશે.