– 16 ઉમેદવાર ચૂંટણી લડશે તો ચૂંટણી તંત્રની કસરત વધશે
– ઈવીએમમાં 15 ઉમેદવારના નામ અને એક નોટાના બટનનો સમાવેશ
કેટલાક વર્ષ પહેલા બેલેટ પેપરથી ચૂંટણીમાં મતદાન થતુ હતુ પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષથી ઈવીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક મતદાન મથક પર બેલેટ યુનીટ અને કન્ટ્રોલ યુનીટ મુકવામાં આવતા હોય છે. બેલેટ યુનીટમાં ૧પ ઉમેદવારના નામ અને એક નોટાના બટનનો સમાવેશ થાય છે તેથી જો ૧૬ ઉમેદવાર થાય તો દરેક મતદાન મથક બે બેલેટ યુનીટ મુકવા પડતા હોય છે. હાલ ભાવનગર સહિત ગુજરાતની લોકસભા બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરૂ છે. ભાવનગર લોકસભા બેઠક પર હાલ માત્ર ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જેમાં બે ડમી ઉમેદવારનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૩૮ ઉમેદવારો ૮ર ફોર્મ લઈ ગયા છે અને હજુ ઉમેદવારી પત્રો ભરવા માટે બે દિવસનો સમય બાકી છે ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ફોર્મ ભરે છે ? તેની રાહ જોવી જ રહી.
ઉમેદવારી પત્રો ખેંચવાના દિવસે સાંજે ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થશે. ભાવનગર લોકસભા બેઠક પર ૧પથી વધુ ઉમેદવાર થશે તો બે ઇવીએમ મુકવા પડશે તેમ ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ર૦૧૪માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક પરથી ૧૬ ઉમેદવાર ચૂંટણી લડયા હતા તેથી દરેક મતદાન મથક પર બે બેલેટ યુનીટ મુકવા પડયા હોવાનુ જાણવા મળેલ છે. માત્ર એક ઉમેદવાર વધતા ચૂંટણી અધિકારી-કર્મચારીઓને કસરત વધી ગઈ હતી, જો એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ હોત તો એક જ ઈવીએમની જરૂર હતી પરંતુ એક ઉમેદવાર વધતા ભાવનગરના ચૂંટણી સ્ટાફની મહેનત વધી ગઈ હતી તેમ સુત્રોેએ જણાવેલ છે. આ લોકસભામાં ૧પથી વધુ ઉમેદવાર ફોર્મ ભરશે તો ચૂંટણી સ્ટાફની કસરત ફરી વધશે ત્યારે ૧પ ઉમેદવાર જ ફોર્મ ભરે તો ચૂંટણી તંત્રના સ્ટાફને રાહત રહેશે તેમ ચર્ચાય રહ્યુ છે.