– વાવાઝોડાં માટે ક્લાઉડ સીડિંગ સામે પણ આંગળી ચીંધાઇ
– અરેબિયન દ્વીપકલ્પ પરની સિસ્ટમે યુએઇથી શરુ કરીને ઓમાન, સાઉદી, અને બહેરીન સુધીના વિસ્તારને ધમરોળી નાખ્યા
– લાર્જ સ્ટોર્મ સિસ્ટમના લીધે દુબઈ અને ઓમાનમાં ભારે વરસાદ ખાબક્યો
દુબઈ,મસ્કત : મંગળવારે દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું.રણપ્રદેશમાં બે વર્ષમાં આવે તેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતા ચોમેર પાણી-પાણી હતુ. દુબઈ એરપોર્ટ અડધો કલાક બંધ રાખવુ પડયું હતું. સીએનએનના જણાવ્યા મુજબ અરેબિયન પેનિનસ્યુલા પર સર્જાયેલા લાર્જ સ્ટોર્મ સિસ્ટમ અરેબિયન પેનિનસ્યુલા પરથી ગલ્ફ ઓફ ઓમાન અને દક્ષિણ ઇરાન તરફ જતાં ભારે વર્ષા થઈ હતી.
તેના લીધે યુએઈ અને ઓમાનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડયો હતો અને મોટરો પણ ડૂબી ગઈ હતી. મોટા વાહનો સ્થગિત કરી દેવા પડયા હતા. દુબઈના મેટ્રો સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા હતા.
વાસ્તવમાં સોમવારે મોડી રાતથી જ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો અને મંગળવારે તે ઘણો વધી ગયો હતો. દિવસનાં અંતે તે ૧૪૨ મીમી (૫.૫૯ ઈંચ) જેટલો નોંધાયો હતો. વાસ્તવમાં દુબઈનો વાર્ષિક વરસાદ જ ૯૪.૭ મીમી. (૩.૩૭ ઈંચ) જેટલો છે.
આના લીધે દુબઈમાં માર્ગો જળબંબાકાર બની ગયા હતા, સરકારે લોકોને અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર નહીં જવા ચેતવણી આપી હતી. આવી જ પરિસ્થિતિ ઓમન અને તેના પાટનગર મસ્તકમાં જોવા મળી હતી. આ અંગે ઋતુ પરિવર્તીત નિષ્ણાત અને લંડનની ઈમ્પીરીયા કોલેજની ઈન્સ્ટીટયુટ ઓફ કલાઈમેટ ચેન્જનાં અગ્રણી ફ્રીડ્રીકે ઓટો જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગને લીધે આ ઘટના બની હશે. સંભવ તે પણ છે કે ઓમાન અને દુબઈમાં આવી ખાના-ખરાબી કરતો વરસાદ આવ્યો તે માટે માનવ સર્જિત ઋતુ પરિવર્તન વધુ જવાબદાર છે.
દરમિયાન બ્લુમબર્ગે જણાવ્યું છે કે, ‘કલા ઉડ સીડીંગ’ (વાદળો પર કરેલા છંટકાવ)ને લીધે આટલો વરસાદ થયો હશે.
વાસ્તવમાં યુ.એ.ઈ.એ ૨૦૦૨થી કલાઉડ સીડીંગ શરૂ કર્યું છે તેમાં વાદળો ઉપર વિમાનમાંથી રસાયણો અને ઝીણાં કણો છાંટવામાં આવે છે. તેમાં પોટેશ્યમ કલોરાઈડ મુખ્ય છે. આથી વાદળોમાં રહેલું પાણી છૂટું પડી વરસાદ રૂપે વરસી જાય છે.