image : Socialmedia
Mahavir Jayanti Celebration at London Parliament : બ્રિટનની સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બ્રિટનના જૈન સમુદાયના લોકો પણ હાજર રહ્યા હતા.
આચાર્ય લોકેશ મુનિએ આ પ્રસંગે કહ્યુ હતુ કે, ‘ભગવાન મહાવીર સ્વામીના વિચારો આજના સમયમાં ભારે મહત્વપૂર્ણ અને એટલા જ પ્રાસંગિક છે જેટલા ભૂતકાળમાં ઉપયોગી હતી. ભગવાન મહાવીર સ્વામીના વિચારોમાં દુનિયાની ઘણી સમસ્યાઓનો ઉકેલ રહેલો છે. ‘
આ પહેલા અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની વિધાનસભામાં પણ પહેલી વખત ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી મનાવવામાં આવી હતી. આ દરમિયાન જૈન સમુદાયે ડિજિટલ ડિટોકસ એટલે કે સોશિયલ મીડિયાના વળગણથી છૂટકારો મેળવવા માટેનુ અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ સમારોહમાં જૈન ધર્મના શાંતિ, કરૂણા, અહિંસા અને પ્રેમના સિધ્ધાંતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ આચાર્ય લોકેશ મુનિ હાજર રહ્યા હતા.
આચાર્યને તાજેતરમાં જ માનવતા પ્રત્યેના તેમના યોગદાન તેમજ સાર્વજનિક કલ્યાણના કામો માટે અ્મેરિકન રાષ્ટ્રપતિના ગોલ્ડ વોલિએન્ટર સર્વિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ આ સન્માન મેળવનાર પહેલા ભારતીય જૈન આચાર્ય છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આચાર્ય લોકેશ મુનિને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના માનવતાપૂર્ણ કાર્યોની પ્રશંસા કરી હતી.
આચાર્ય લોકેશ મુનિએ પણ કહ્યુ હતુ કે, ‘મને મળેલુ સન્માન ભારતીય સંસ્કૃતિ, ભારતના આધ્યાત્મિક મૂલ્યો અને ભગવાન મહાવીર સ્વામીના સિધ્ધાંતોનુ સન્માન છે.’