– સત્ય નડેલા, દેવ પટેલ, જિગર શાહ, પ્રિયમવદા નટરાજન અને અસ્મા ખાનને પણ યાદીમાં સ્થાન
ન્યૂયોર્ક : વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય બાંગા, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, ઓલિમ્પિયન રેસલર સાક્ષી મલિક, અભિનેતા-ડિરેક્ટર દેવ પટેલ નો ટાઇમના વિશ્વના ૧૦૦ પ્રભાવશાળીઓની યાદીમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત આ યાદીમાં અમેરિકાના ઊર્જા વિભાગના લોન પ્રોગ્રામ ઓફિસ ડિરેક્ટર જિગર શાહ, યેલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર પ્રિયમવદા નટરાજન, ભારતીય મૂળના રેસ્ટોઅર અસ્મા ખાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નેવેલન્નીની વિધવા યુલિયા નેવેલ્નિયાનો પણ સમાવેશ થાય છે.માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઇઓ માટે ટાઇમ્સ પ્રોફાઇલ અમેરિકન ટ્રેઝરી જેનેટ યેલેને લખી હતી. તેમણે જણાવ્યું હતું કે બાંગા માટે મહત્ત્વની સંસ્થાના વડા તરીકે મહાકાય કાર્ય છે. તેમણે ગયા વર્ષે જુનમાં વર્લ્ડ બેન્કના વડા થયા પછી વિશ્વમાં ગરીબી નાબૂદ કરવા તથા નાણાકીય સમાવેશિતાને છેવાડાના સ્તર સુધી લઈ જવાનું કામ શરુ કર્યુ છે. આ પહેલા તેઓ ડિજિટલ ઇકોનોમીને વેગ આપવાના અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે.
ડિરેક્ટર, રાઇટર અને પ્રોડયુસર ટોમ હાર્પરે જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ જબરદસ્ત પ્રતિભાશાળી છે. તે વિશ્વના અગ્રણી કલાકારોમાં એક છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તે દાયકાથી છે. આ ઉપરાંત તે બિઝનેસવુમન છે અને દાન પણ કરે છે.
સત્ય નડેલા અંગે ટાઇમે જણાવ્યું હતું કે તેઓ માનવ જાત માટે નવા જ ભવિષ્યને ઓપ આપવામાં લાગેલા છે. તેમની કંપનીએ ઓપન એઆઈમાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ક્રાંતિ લાવવામાં આગેવાન છે. ટેકનોલોજિસ્ટ તરીકે સત્યા એઆઇની મદદથી માનવ આત્મનિર્ભર બનશે તેમ અનુભવે છે.
રેસલર સાક્ષી મલિકે અંગે ઓસ્કર વિનર નિશા પહુજાએ જણાવ્યું હતું કે રેસલિંગ ફેડરેશનના વડાના રાજીનામાની માંગ મોટી લડત બની ગઈ. સાક્ષીએ આ મુદ્દે જંતરમંતર પર બેસીને જબરદસ્ત ક્ષમતા દાખવી છે. તેને આ મુદ્દે સમગ્ર દેશમાંથી સમર્થન મળ્યું છે અને વિદેશમા પણ આ મુદ્દે ધ્યાન ખેચાયું છે. આમ જાતીય સતામણીના મુદ્દાને લઈને સાક્ષીનું વલણ બધાને સ્પર્શી ગયું છે.
દેવ પટેલ અંગે ઓસ્કર વિજેતા અભિનેતા ડેનિયલ કાલુયાએ જણાવ્યું હતું કે તે હંમેશા માનવતાનો પ્રહરી રહ્યો છે. તેણે ભજવેલા પાત્રો માનવતાને લગતા પાસાને આવરી લેતા કે સ્પર્શતા જોવા મળ્યા છે.