– છોકરીઓના ફોટો જોઇ એક ફોટો પર ક્લીક કરતા વ્હોટ્સએપ ઉપર હાય નો મેસેજ આવ્યોઃ સેક્સ કરવું છે કહી અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યો
– બેડરૂમમાં જતા વેંત બે યુવાન ઘસી આવી ડી-સ્ટાફ તરીકેની ઓળખ આપી વિડીયો ઉતારી રૂ. 4 લાખની માંગણી કરી
સુરત
સ્કોકા. ઇન નામની વેબસાઇટ થકી વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબવર્ક કોન્ટ્રાક્ટરને અમરોલી-છાપરાભાઠા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં સેકસ માણવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 3.50 લાખ પડાવી લેનાર ઠગ ટોળકી વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે હનીટ્રેપમાં ફસાવવા માટે ફ્લેટની સુવિધા પૂરી પાડનાર રત્નકલાકારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
વરાછાના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં રહેતા અને સાડી જોબવર્કનું કામ કરતા 36 વર્ષીય પરિણીત નિતીન (નામ બદલ્યું છે) એ ગત ડિસેમ્બરમાં ગુગલ ઉપર સ્કોકા. ઇન નામની વેબસાઇટ ઓપન કરતા જુદી-જુદી છોકરીઓના ફોટો હતા. જે પૈકી એક ફોટો ઉપર ક્લીક કરતા વ્હોટ્સએપ ઉપર મેસેજનો ઓપ્શન આવ્યો હતો અને તેના ઉપક ક્લીક કરતા નિતીનના વ્હોટ્સએપ ઉપર હાય નો મેસેજ આવ્યો હતો. જે અંતર્ગત ચેટીંગમાં સેક્સ કરવું છે ? એવું પુછતા નિતીને હા કહ્યું હતું અને બપોરના અરસામાં કતારગામ ચીકુવાડી ખાતે બોલાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ બીજો મેસેજ આવ્યો હતો અને બીજા દિવસે અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત ઋતુરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. સી/604 માં આવવાનું કહ્યું હતું. જેથી નિતીન બીજા દિવસે ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ગયો હતો જયાં 25 થી 30 વર્ષની બે મહિલા હતી જે પૈકી એક મહિલા નિતીનને અંદરના રૂમમાં લઇ ગઇ હતી. જયાં મહિલાએ પોતાનું નામ અલ્પા હોવાનુ કહી નિતીનના કપડા કાઢી નાંખ્યા બાદ પોતાના પણ કપડા કાઢી રહી હતી ત્યારે અચાનક કોઇકે દરવાજો ખખડાવ્યો હતો. જેથી અલ્પાએ દરવાજો ખોલતા એક યુવાને બીજી મહિલાનો ચોંટલો પકડી રૂમમાં ઘુસી ગયો હતો અને બીજાએ મોબાઇલમાં શુટીંગ ઉતારવાનું શરૂ કરી પોતાની ઓળખ ડી-સ્ટાફ તરીકે આપી નિતીનના ભાઇના મોબાઇલ નંબરની માંગણી કરી હતી. જેને પગલે નિતીન ડરી જતા પતાવટ કરવાનું કહ્યું હતું. પોલીસ તરીકેની ઓળખ આપનારે કેટલા રૂપિયા આપી શકશો એમ કહેતા નિતીને રૂ. 2 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ પોલીસનો સ્વાંગ રચનારે સાહેબ સાથે વાત કરીને કહું છું એમ કહી કોઇક સાથે ફોન ઉપર વાત કરી રૂ. 4 લાખની માંગણી કરી હતી. નિતીને પોતાની આબરૂ બચાવવા રૂ. 3.50 લાખ આપવાની તૈયારી દર્શાવી સાઢુભાઇ પાસે આર્થિક મદદની માંગણી કરી સરથાણા જકાતનાકા ખાતે રૂ. 3.50 લાખ બે પૈકીના એક યુવાનને આપ્યા હતા. ત્યાર બાદ યુવાને ધમકી આપી હતી કે આ વાતની કોઇને જાણ કરશે તો તારો જે વિડીયો ઉતાર્યો છે તે વાયરલ કરી દઇશું. જેથી નિતીન ડરી ગયો હતો.
હનીટ્રેપમાં ફસાવવા રૂ. 80 હજાર લઇ ફ્લેટની સુવિધા આપનાર રત્નકલાકારની ધરપકડ
સાડી જોબવર્ક કોન્ટ્રાક્ટરને વેબસાઇટ થકી હનીટ્રેપમાં ફસાવી મળવા માટે અમરોલી-છાપરાભાઠા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. સી/604 માં બોલાવ્યો હતો. જેથી પોલીસે ઉપરોકત ફ્લેટમાં દરોડા પાડયા હતા. જયાંથી ફ્લેટમાં રહેતા રત્નકલાકાર હરેશ રાજુ સરવૈયા (ઉ.વ. 32 મૂળ રહે. ગણેશગઢ, તા. ગારિયાધાર, ભાવનગર) ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં રૂ. 3.50 લાખ પૈકી રૂ. 80 હજાર મળ્યા હતા અને કતારગામ અને વરાછઆ પોલીસ સ્ટેશનમાં પણ હનીટ્રેપના ગુનામાં જેલની હવા ખાઇ ચુકયો છે.