Traffic Due to SMC Drainage Vehicle : ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે પરંતુ સુરતના જાહેર રસ્તાની બાજુમાં લાંબા સમયથી પડી રહેલા કંડમ વાહન ટ્રાફિક સ્વચ્છતા માટે જોખમી બની રહ્યાં છે. પાલિકા જાહેર રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી કરે છે પરંતુ લાંબા સમયથી પડી રહેલા કંડમ વાહન દૂર કરવામાં ઉદાસીનતા હોવાથી રોડની બાજુમાં પડેલા કંડમ વાહન સફાઈ સાથે સાથે ટ્રાફિક માટે પણ ન્યુસન્સરુપ બની રહ્યા છે. જોકે, હાલમાં લોકોના કંડમ વાહનો સાથે સાથે પાલિકાના પણ કેટલાક વ્હીકલ રસ્તા પર મહિનાઓથી મુકી દેતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર સર્કલથી હની પાર્ક તરફ જતા રોડ પર ચોર્યાસી ડેરી આવી છે તે વૈભવ નગર નજીક છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી પાલિકાની ડ્રેનેજ સફાઈ માટેનું વાહન મૂકી રાખવામાં આવ્યું છે. આ વાહનોના કારણે ડ્રેનેજ સફાઈ થાય છે કે નહી તે બીજી વાત છે પરંતુ એક મહિના કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ રોડની વચ્ચે આ વાહન મુકવામાં આવ્યું હોવાથી સતત અકસ્માતની ભીતિ છે. આ ઉપરાંત પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આ વ્હીકલ જ્યાં મુકાયું છે તેની નજીક જ ચોર્યાસી ડેરી ની કેબીન આવી છે. રોજ સંખ્યાબંધ લોકો આ જગ્યાએ સવાર સાંજ દુધ લેવા માટે જાય છે. પરંતુ આ વાહન પડ્યું હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે.
સુરત પાલિકા હાલમાં જાહેર રસ્તા પરથી દબાણ દુર કરી રહી છે પરંતુ લોકો દ્વારા રસ્તાની બાજુ મૂકવામાં આવેલા કંડમ વાહનો દૂર કરવાની કામગીરી નથી કરતી તેની સાથે સાથે પાલિકાના આવા વાહનો પડી રહેતા હોવાથી લોકોની મુશ્કેલી વધે છે. આ જગ્યાએ મુકાયેલા વાહનોના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે તેના કારણે રસ્તા વચ્ચે મુકવામાં આવેલું પાલિકાનું આ વાહન તાકીદે દુર કરવામા આવે તેવી માગણી લોકો દ્વારા કરવામા આવી રહી છે.