Israel-Iran Military Power :દુનિયાના બે દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. સીરિયામાં ઈરાની દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલામાં 11 ઈરાની સૈનિકો માર્યા ગયા હતા અને તેનો આરોપ ઈઝરાયેલ પર લગાવવામાં આવ્યો હતો. જવાબમાં ગત શનિવારે ઈરાને મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે આ કાર્યવાહી પર કડક પ્રતિક્રિયા આપવાની ચેતવણી તો આપી દીધી છે પરંતુ સ્થિતિ ગમે ત્યારે બંને પક્ષેથી બેકાબૂ બની શકે છે.

આ તણાવ વચ્ચે વિશ્વના મોટાભાગના દેશો બે ભાગમાં વિભાજીત થવાના શરૂ થયા છે. બ્રિટને ને હથિયારોની નિકાસ ચાલુ રાખવાનું વચન આપ્યું છે અને વધતા તણાવ વચ્ચે પણ બંને દેશ પોતાની સૈન્ય ક્ષમતાઓ પણ દેખાડી રહ્યા છે. 

આ સ્થિતિમાં હવે સવાલ થવો વ્યાજબી છે કે બંને મિડલ ઈસ્ટ દેશોમાંથી કોની પાસે મોટી લશ્કરી તાકાત છે ? કોની પાસે કેટલા શસ્ત્ર-સરંજામ છે ? કોની પાસે કેટલા ઘાતક હથિયારો છે ? તો આવો જાણીએ ઇઝરાયલ-ઈરાનની સેના કેટલી મજબૂત છે અને કોની પાસે કેટલી તાકાત છે….

ઈરાન- ઇઝરાયલમાં કોની સેના વધુ મજબૂત ?

ગ્લોબલ ફાયર પાવર ઓર્ગેનાઈઝેશન વર્તમાન ઉપલબ્ધ મારક ક્ષમતાના આધારે દેશોની રેન્કિંગ બહાર પાડે છે. દેશના પાવરઇન્ડેક્સ સ્કોર નક્કી કરવા માટે 60થી વધુ પરિબળોનો ઉપયોગ કરીને રેન્કિંગ આપવામાં આવે છે.

2024 માટે જારી કરાયેલ ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ અનુસાર, ઈરાનની સૈન્ય ક્ષમતા વિશ્વમાં 14મી સૌથી મોટી છે. તેનો પાવરઇન્ડેક્સ સ્કોર 0.2269 અંદાજવામાં આવ્યો છે. 0.0000નો સ્કોર સંપૂર્ણ એટલકે પરફેક્ટ ગણાય છે.

બીજી તરફ ઇઝરાયલની સૈન્ય ક્ષમતા પર નજર કરીએ તો તે વિશ્વમાં 17મા સ્થાને છે. ઇઝરાયલનો પાવરઇન્ડેક્સ સ્કોર 0.2596 છે.

કોની પાસે કેટલા સૈનિકો ?

8.7 કરોડની આબાદી ધરાવતા ઈરાનમાં 56 ટકા એટલે કે 4.9 કરોડ મેનપાવર છે. ઈરાનની સેનામાં સૈનિકોની સંખ્યા 11.80 લાખ છે. તેમાંથી 6.10 લાખ સક્રિય સૈન્ય કર્મચારીઓ છે, જ્યારે 3.50 લાખ રિઝર્વ કર્મચારીઓ છે. ઈરાનમાં 2.20 લાખ અર્ધલશ્કરી દળના જવાનો, 42 હજાર વાયુસેનાના જવાનો, 3.50 લાખ લશ્કરી જવાનો અને 18.5 હજાર નૌકાદળના જવાનો છે.

સામે પક્ષે અનેક મોરચે યુદ્ધ ખેડી રહેલ ઇઝરાયલની વસ્તી 90 લાખ છે અને તેની પાસે 42 ટકા એટલે કે 37 લાખ માનવબળ છે. ઇઝરાયલની સેનામાં સૈનિકોની સંખ્યા 6.7 લાખ છે. તેમાંથી 1.70 લાખ એક્ટિવ સૈન્યકર્મી છે, જ્યારે 4.65 લાખ રિઝર્વ કર્મચારીઓ છે. ઈઝરાયેલ પાસે 35 હજાર અર્ધલશ્કરી દળના જવાનો, 89 હજાર વાયુસેનાના જવાનો, 5.26 લાખ સૈન્ય જવાનો અને 19.5 હજાર નૌકાદળના જવાનો છે.

બંને દેશોની સેનાઓ પાસે શું-શું છે?

ઈરાનની સેના પાસે કુલ 1996 ટેન્કનો જથ્થો છે. આ સિવાય ઈરાની સેના પાસે 65,765 લડાકૂ વાહનો, 580 સ્વ-સંચાલિત આર્ટિલરી, 2,050 ટોવ્ડ આર્ટિલરી અને 775 મલ્ટીપલ રોકેટ લોન્ચર આર્ટિલરી છે.

જો આપણે ઇઝરાયલ આર્મી (IDF)ની ક્ષમતા પર નજર કરીએ તો તેની પાસે કુલ 1370 ટેન્ક છે. આ ઉપરાંત IDF પાસે 43,407 કોમ્બેટ વ્હિકલ્સ એટલકે લડાયક વાહનો, 650 સ્વ-સંચાલિત આર્ટિલરી, 300 ટોવ્ડ આર્ટિલરી અને 150 મલ્ટીપલ રોકેટ લોન્ચર આર્ટિલરી છે.

વાયુસેના કોની શક્તિશાળી ?

ઇઝરાયલ અને ઈરાન પાડોશી દેશો નથી અને તેમની સરહદો એકબીજાને મળતી નથી. બંને દેશો હજારો માઈલ દૂરથી પોતાની હવાઈ દળો દ્વારા લડી રહ્યા છે. ઈરાનની એર પાવરની વાત કરીએ તો તેની પાસે કુલ 551 યુદ્ધ વિમાનોનો જથ્થો છે. ઈરાનની વાયુસેના પાસે 186 ફાઈટર એરક્રાફ્ટ, સાત ટેન્કર ફ્લીટ, 129 હેલિકોપ્ટર અને 13 એટેક હેલિકોપ્ટર છે.

ઇઝરાયલની હવાઈ સેનાની ક્ષમતા પર નજર કરીએ તો કુલ 612 વોર પ્લેન છે. ઇઝરાયલની વાયુસેના પાસે 241 ફાઈટર એરક્રાફ્ટ, 14 ટેન્કર ફ્લીટ, 146 હેલિકોપ્ટર અને 48 એટેક હેલિકોપ્ટર છે.

નૌકાદળની તાકાત ?

ઈરાનની નેવી પાસે કુલ 101 હથિયારો છે. તેની પાસે સાત ફ્રિગેટ્સ (મધ્યમ કદના યુદ્ધ જહાજો), ત્રણ કોર્વેટ (નાના કદના યુદ્ધ જહાજ), 19 સબમરીન અને 21 પેટ્રોલિંગ જહાજો (Patrol Vessels) છે.

સામે પક્ષે ઈઝરાયેલ નેવીની ક્ષમતા પર નજર કરીએ તો તેની પાસે કુલ 67 હથિયારો છે. તેની પાસે 145 એરક્રાફ્ટ કેરિયર, સાત કોર્વેટ, પાંચ સબમરીન અને 45 પેટ્રોલિંગ જહાજો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *