શાપરના સોહિલ ખેરડીયાને દેશી પિસ્ટલ સાથે ઝડપ્યો
જયસુખને તેના ઘર નજીકથી જ દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડ્યો
મહમદ હાસમભાઈ દલને દેશી તમંચા સાથે દબોચી લીધા
રાજકોટ પોલીસે ચૂંટણી લક્ષી પેટ્રોલિંગ વધાર્યું હોય તેમ 24 કલાકમાં 4 શખ્સોને ગેરકાયદે હથિયાર સાથે દબોચી લીધા છે. ભક્તિનગર પોલીસે શાપરના સોહિલ ઉર્ફે રેહાન શાહનવાજ ખેરડીયાને હુડકો ચોકડી પાસેથી દેશી પિસ્ટલ, બે જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો.
ઘર નજીકથી જ દેશી બનાવટની પિસ્ટલ તેમજ બે જીવતા કારતૂસ સાથે દબોચી લીધો
રાજકોટ ડીસીબીએ માંડાડુંગર નકલંક સોસાયટીમાં રહેતા જયસુખ ઉર્ફે જશા વલ્લભ વાઘેલાને તેના ઘર નજીકથી જ દેશી બનાવટની પિસ્ટલ તેમજ બે જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. આ પિસ્ટલ તેના અવસાન પામેલા દાદાએ આપ્યાનું રટણ કર્યું હતું. જ્યારે એસઓજીએ ભગવતીપરામાંથી દાઉદ ઉર્ફે ભઈલો કદિરભાઈ શાહમદારને દેશી બનાવટની 25 હજારની પિસ્ટલ અને બે જીવતા કાર્તિસ સાથે ધરપકડ કરી હતી. દાઉદ અગાઉ રાજકોટમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિત ત્રણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા તળે જેલયાત્રા કરી ચૂક્યો છે. તેમજ એલસીબીએ માલીયાસણ ચોકડી પાસેથી ભગવતીપરાના મહમદ હાસમભાઈ દલને દેશી તમંચા સાથે દબોચી લઈ તપાસ હાથ ધરી છે.
હાજાભાઈ પબા ખાંભલાની લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટા પડાવ્યો
અગાઉ રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો ફેસબુકમાં મુકતા જીઓ કેર સેન્ટર ચલાવતા યુવાન અને ખેડૂતની ધરપકડ કરી હતી. ઉપલેટાના ચંદ્રેશ શંભુ બારૈયાએ પોતાના મિત્રના પિતા ભાયાવદરની મતવા શેરીમાં રહેતા હાજાભાઈ પબા ખાંભલાની લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટા પડાવ્યો હતો. રૂરલ એસઓજીએ ભાયાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ફેસબુક એકાઉન્ટ પર ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો
પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંદ્રેશ જીઓ કેર સેન્ટર ચલાવે છે. ભાયાવદરનો પરેશ તેનો મિત્ર હોય અને પરેશના પિતા હાજાભાઈ પાસે લાયસન્સ વાળી બંદૂક હોય જેથી ચંદ્રેશ અંદાજે સાત મહિના પહેલા પોતાના જન્મદિવસ પર મિત્રની વાડીએ ગયો હતો. આ દરમિયાન તેણે વાડીએ પોતાના મિત્રના પિતાની લાયસન્સવાળી બંદૂક સાથે તસવીરો પડાવી હતી. ચંદ્રેશે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ડબલ જોટાવાળી બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો.