– એએમએનએસ કંપનીમાં પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશનમાં પોક્યોરમેન્ટ સ્ટોરમાં કામ કરતા યુવાનનું કારસ્તાન
– અમદાવાદ અને અડાજણના બે વેપારી પાસેથી માલ ખરીદી હજીરા રો રો ફેરીના હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટર પાસે પેમેન્ટ ટ્રાન્સફર કરાવી ખેલ કર્યો
સુરત
હજીરાની એ.એમ.એન. એસ કંપનીમાં પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં સપ્લાયરનો કોન્ટ્રાક્ટ અપાવી ખરીદ કિંમત ઉપર 13 ટકા નફાની લાલચ આપી હજીરા રો રો ફેરીના હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 14.17 લાખના માલ ખરીદીના બિલ બનાવડાવી પેમેન્ટ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર યુવાન વિરૂધ્ધ હજીરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
હજીરાની રો રો ફેરી ના હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટર અરૂણ વિનોદ પટેલ (ઉ.વ. 38 રહે. નિલકંઠ એપાર્ટમેન્ટ, ભુલકાભવન રોડ, અડાજણ) નો ઓક્ટોબર 2023 માં મિત્ર અંકિત જાની હસ્તક હજીરાની એ.એમ.એન. એસ કંપનીમાં પ્રગતિ ઈન્ફ્રા સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડનના કોન્ટ્ર્રાક્ટમાં પોકયોરમેન્ટ સ્ટોરમાં નોકરી કરતા ચિંતન પંડયા સાથે પરિચય થયો હતો. ચિંતને અમારા કંપનીમાં તમામ પ્રોડક્ટના સપ્લાયર તરીકે કામ કરવું હોય તો હું સેટ કરાવી આપું અને ખરીદ કિંમતના બિલ ઉપર 13 ટકા નફો મળશે એવું કહ્યું હતું. જેથી અરૂણે પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશનના સપ્લાયર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં સૌપ્રથમ ચિંતને હોમ પ્રોડક્ટનો ઓર્ડર આપી રૂ. 42 હજારના બિલ સામે રૂ. 1.11 લાખ અરૂણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે ધંધાની શરૂઆત કર્યા બાદ ચિંતને અરૂણના રેફરન્સથી અમદાવાદની સરંગ એજન્સીમાંથી બે તબક્કામાં કુલ રૂ. 11.39 લાખનું સિક્કા પ્લાસ્ટ નામના કેમિકલનો ઓર્ડર આપી અરૂણના એકાઉન્ટમાંથી પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું હતું. આ બિલ ઉપર 13 ટકા નફા સાથે રૂ. 12.65 લાખનું પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશનના નામે બિલ મંગાવી 45 દિવસમાં પેમેન્ટનો વાયદો કર્યો હતો. ત્યાર બાદ અડાજણના યુનિવર્સલ કેમિકલમાંથી રૂ. 2.71 લાખના કેમિકલ ખરીદીનું 13 ટકા નફા સાથે રૂ. 3.06 લાખનું બિલ બનાવડાવી પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ ચિંતને ફોન બંધ કરી દેતા પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર અંશુનો સંર્પક કરી બાકી પેમેન્ટના બિલ રજૂ કર્યા હતા. પરંતુ ડાયરેક્ટરે કહ્યું હતું કે ચિંતને નોકરી છોડી દીધી છે અને બિલ મુજબનો માલ મળ્યો નથી. જેને પગલે અરૂણે ચિંતન વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.