અમદાવાદ,
સોમવાર
અમદાવાદમાં આવેલી વાડીલાલ કેમિકલ કંપનીમાં યુ.કેની કંપનીના નામે રૂપિયા ૧.૪૩ કરોડનો
ગેસ અને કેમિકલ યુગાન્ડા ખાતે મંગાવીને યુ.કેમાં અગાઉ બંધ થઇ ગયેલી બાર્કલે બેંકનો
ચેક અને વિગતો પેમેન્ટ મોકલીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ દ્વારા
નોંધવામાં આવી છે. શહેરના ઘોડાસરમાં રહેતા દિપલભાઇ સોની આંબલી-બોપલ રોડ પર આવેલી વાડીલાલ કેમીકલ્સ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે
ફરજ બજાવે છે. ગત ૧૦મી જાન્યુઆરીના રોજ તેમની કંપનીના ઇમેઇલ પર યુ.કેની એક કંપની પેસેફીક
હોરીઝોન ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મેઇલ આવ્યો હતો. આ કંપની દ્વારા કેમિકલ અને ગેસ અંગે
પુછપરછ કરવામાં આવી હતી. જે બાદ કંપનીએ રૂપિયા ૧.૪૩ કરોડની કિંમતના ગેસ-કેમિકલનો ઓર્ડર
કન્ફર્મ કરીને બાર્કલે બેંકની વિગતો અને પમેન્ટ માટે ચેક નંબર મોકલી આપ્યો હતો.
સાથેસાથે કેમિકલ અને ગેસ યુગાન્ડામાં આવેલી કંપનીની બીજી શાખામાં મોકલી આપવા
માટેની સુચના આપી હતી. જેથી વાડીલાલ કંપનીએ ત્રણ અલગ અલગ કન્ટેઇનરમાં મુંબઇ નાવાસેવા
પોર્ટથી દારેસલામ પોર્ટ અને ત્યાંથી તાન્ઝાનિયા
થઇને યુગાન્ડા પ્રોડક્ટ મોકલી આપી હતી. ત્યારબાદ એક્સપોર્ટ ઇન્વોઇસ સહિતના ડોક્યુમેન્ટ
બેંક ઓફ બરોડાની તરફથી ઇગ્લેન્ડમાં આવેલી બાર્કલે બેંક મોકલી આપી હતી. પરંતુ, જાણવા મળ્યું હતું કે આ બેંક ૨૦૨૧માં જ બંધ થઇ ગઇ હતી અને છેતરપિંડી આચરતી
ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ
કરવામાં આવી છે.