– શિડયૂલમાં કોઈ ફેરફાર નહીં કરવા ટીમને સૂચના
– ઈવેન્ટસ તથા બ્રાન્ડ પ્રમોશન સહિતના કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રાખશે
મુંબઇ : સલમાન ખાને તેના ઘર પર ફાયરિંગના બનાવ પછી પણ ફિલ્મ શૂટિંગ તથા અન્ય ઈવેન્ટસ સહિતના તેના તમામ નિર્ધારિત કમીટમેન્ટસ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. ફાયરિંગના બનાવ બાદ સલમાન સહિત સમગ્ર પરિવારની સિક્યુરિટી વધારવામાં આવી છે. સલમાન તેના પરિવાર સાથે બાન્દ્રાનું ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી પનવેલ ફાર્મ હાઉસ અથવા તો અન્યત્ર રહેવા જતો રહે તેવી પણ ચર્ચા છે. જોકે, સલમાને પોતાની ટીમને સાફ સાફ જણાવી દીધું છે કે આગામી દિવસોમાં કોઈ શૂટિંગ શિડયૂલ કેન્સલ કરવાનું નથી. કોઈ ઈવેન્ટમાં હાજરી, બ્રાન્ડ પ્રમોશન વગેરે જે પણ કમિટમેન્ટસ આપ્યાં છે તેનું પૂરેપૂરું પાલન કરવાનું છે. સલમાન એવી છાપ સર્જવા પ્રયાસ કરી રહ્યો છે કે આ ફાયરિંગની ઘટનાથી તેના પેટનું પાણી પણ હલ્યું નથી.