ઉમેદવારો પ્રચારમાં  બે-ચાર કેમેરામેન સાથે લઈ જાય છે સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરનારાઓની બોલબાલાઃ ઉમેદવારના નિકટજનો પોતાનાં એકાઉન્ટમાંથી પ્રચાર કરે તો ખર્ચ ઉધારવો અશક્ય

જૂનાગઢ, : હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. અગાઉની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીમાં પ્રચારનો ટ્રેન્ડ બદલાયો છે. આ વખતે ઉમેદવારો પ્રચારમાં સોશ્યલ મીડિયા પર વધુ ભાર દઈ રહ્યા છે. દરેક ઉમેદવારો તેમના પ્રચાર કાર્યમાં બે-ચાર કેમેરાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારો સહેલાઈથી મતદારો સુધી પહોંચી શકે તે માટેનું હાલ આ માધ્યમ ઉત્તમ અને નિરંકુશ પણ છે. ચૂંટણી પંચનો પણ તેના પર ખર્ચને લઈ ખાસ કોઈ અંકુશ નથી. સોશ્યલ મીડિયામાં ક્યારેક દેખીતું જ પેઈડ પ્રોમોશન હોવા છતાં ચૂંટણી તંત્ર ખાસ કોઈ નક્કર કાર્યવાહી કરી શકતું નથી.

વર્ષો અગાઉ લોકસભાની ચૂંટણીમાં ગામેગામ ઉમેદવારોને પહોંચવું અને એક-એક મતદાર સુધી તેમનો સંદેશો પહોંચાડવો તે એક પડકાર હતો. આવા સંજોગોમાં મોટી સભાઓના આયોજન કરવા પડતા હતા. તેમાંય તમામ મતદારો સુધી ઉમેદવાર પહોંચી શકતો ન હતો. હવેના સમયમાં પ્રચાર માધ્યમોની સાથે સોશ્યલ મીડિયાનો પણ ખૂબ જ ટ્રેન્ડ છે. જો ઉમેદવાર પ્રચાર માધ્યમમાં પોતાનો પ્રચાર કરે તો તેનો ખર્ચ ઉમેદવાર કે તેમના પક્ષના ખાતે ઉધારવો પડે છે. આવી સમસ્યા વચ્ચે તમામ ઉમેદવારો હવે સોશ્યલ મીડિયા તરફ વધુ વળ્યા છે. જૂનાગઢ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આ વખતે જ્યાં જ્યાં પ્રચારમાં જાય ત્યાં બે-ચાર ડીએસએલઆર કેમેરાઓ સાથે રાખે છે. ઉમેદવારો સ્ટુડિયોના ધંધા સાથે જોડાયેલા લોકોને આ માટે કોન્ટ્રાક્ટ આપી દે છે.

આ કેમેરામેન ઉમેદવારના પ્રચાર કાર્યનું અલગ-અલગ એન્ગલથી વીડિયો શુટીંગ અને ફોટોગ્રાફી કરે છે. ત્યારબાદ વીડિયો અને ફોટા પરથી અલગ-અલગ વિસ્તાર, ગામના પ્રચારની રિલ્સ બનાવી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર સહિતના સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરી પ્રચારને વેગવંતો બનાવી રહ્યા છે. સોશ્યલ મીડિયાનું પ્લેટફોર્મ હેન્ડલ કરવા માટે પણ ઉમેદવારો તેમના નિષ્ણાંતોને કોન્ટ્રાકટ આપે છે. હાલ સોશ્યલ મીડિયાનું એકાઉન્ટ હેન્ડલ કરવા માટે પણ નિષ્ણાંતોની બોલબાલા છે. ચૂંટણીના સમયમાં ઉમેદવારોના પ્રચાર કાર્ય અને તેમના થતા ખર્ચ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ ચીજવસ્તુઓના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. સમાચાર માધ્યમોમાં ઉમેદવારના પ્રચારને લગતા સમાચાર આવે તો ચૂંટણી પંચ દ્વારા તેમના ખાતે ખર્ચ ઉધારવામાં આવે છે. જ્યારે સોશ્યલ મીડિયા પર તો ઉમેદવારના સંખ્યાબંધ મિત્રો- સંબંધીઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ઉમેદવારની પ્રચારાત્મક સામગ્રી મુકવામાં આવે તો તેના પર કઈ રીતે અંકુશ મુકવો અથવા ખર્ચ પણ કેમ કરીને ઉધારવો એ પ્રશ્ન થઈ પડે છે.

ઉમેદવારોના પ્રચાર કાર્યના વીડિયો, ફોટા તેમના વિસ્તારના મતદારો સુધી પહોંચે તે માટે ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામમાં વધુમાં વધુ ફેલાવો થાય તે માટે તેમાં પણ ખર્ચ થાય છે. સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશો પહોંચે તે માટેના પૈસા લે છે. મતદારો પણ પ્રચારમાં આવતા ઉમેદવારોની સાથે અલગ-અલગ ત્રણ-ચાર જેટલા કેમેરામેન જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અગાઉના સમયમાં આવી રીતે ક્યારેય પ્રચાર કાર્ય જોવા મળતું ન હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *