પારકા ઝઘડામાં પોલીસને સમજાવવા જતાં જીવ ગુમાવ્યો

પરિવારજનો આરોપી એએસઆઈ નહીં પકડાતા મૃતદેહ  ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લઈ આવતા તનાવ

રાજકોટ: રાજકોટમાં પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાને કારણે પોલીસ આવતાં તેને સમજાવવા ગયેલા યુવાનને પોલીસે ઉપાડી જઈ, મારકૂટ કર્યા બાદ  મોત નિપજયાનો ચોંકાવનારો બનાવ જાહેર થયો છે. જેના આધારે માલવીયાનગર પોલીસે અજાણ્યા પોલીસ સામે ગુનો દાખલ કર્યા બાદ આરોપી તરીકે એએસઆઈ અશ્વિન કાનગડનું નામ ખુલ્યું હતું. જેને તત્કાળ પકડવાની માંગ સાથે મૃતક યુવાનના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મોડી સાંજ સુધી આરોપી એએસઆઈ નહીં પકડાતા પરિવારના સભ્યો મૃતદેહ સિવીલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લઈ ઘસી જતાં તનાવ વ્યાપી ગયો હતો. 

ગોંડલ રોડ પરના એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.ર-બમાં હત્યાનો ભોગ બનનાર હમીર ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડ  (ઉ.વ.૩૪) રહેતા હતા. તેના પત્ની ગીતાબેન (ઉ.વ.૩ર)એ પોલીસને જણાવ્યું કે ગઈ તા.૧૪ના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ નજીકમાં આવેલા ખોડીયારનગર શેરી નં.૧૬ના ખુણા પાસે રાજુ સોલંકી અને તેના પુત્ર જયેશને પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જેથી જયેશ તેના પતિને ઘરે બોલાવવા આવ્યો હતો અને કહ્યું કે ગોપાલકાકા મારી સાથે ચાલો, અમારે પાડોશીઓ સાથે ઝઘડો થયો છે, તેણે પોલીસની ગાડી બોલાવી છે, તમે આવો તો સમાધાન થઈ જશે. 

આ વાત સાંભળી તેના પતિ   સાથે ગયા હતા. પંદરેક મિનિટ પછી તેના પુત્ર અરમાને ઘરે આવી કહ્યું કે પોલીસની ગાડી આવી હતી અને પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડી લઈ ગઈ છે. જેથી તેના સાસુ કેશુબેન અને પાડોશીઓ તત્કાળ માલવીયાનગર પોલીસ મથકે ગયા હતા. રાત્રે  એકાદ વાગ્યાની આસપાસ પાડોશી નાનજીભાઈ તેના પતિને એકટીવા પર બેસાડી ઘરે લઈ આવ્યા હતા. અર્ધબેભાન હાલતમાં આવેલા તેના પતિ સૂઈ ગયા હતા. 

પતિને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી પરંતુ બીજા દિવસે વહેલી સવારે નહીં ઉઠતા જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે જોયું તો પતિનું પેન્ટ ખરાબ થઈ ગયું હતું. જેથી પેન્ટ અને શર્ટ બદલી નાખ્યા હતા. તે વખતે શરીર પર માર માર્યાના ચાંભા જેવા નિશાન દેખાતા સાસુ અને જેઠ હરેશભાઈને વાત કર્યા બાદ પતિને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તબીબે હેમરેજ જેવી ઈજા હોવાનું જણાવ્યું હતું. ગીતાબેનની આ ફરિયાદના આધારે ગઈકાલે રાત્રે માલવીયાનગર પોલીસે અજાણી પોલીસ સામે ખૂનની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. 

બીજી તરફ આજે સવારે ખાનગી હોસ્પિટલમાં હમિરભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. તે સાથે જ તેના પરિવારના સભ્યો અને દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. ખાનગી હોસ્પિટલની બહાર ચકકાજામ સર્જયા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડાયો હતો. 

ત્યારબાદ મૃતકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરીએ ઘસી ગયા હતા. જયાં બંદોબસ્તમાં હાજર  પોલીસ સ્ટાફ સાથે ઉગ્રતા થઈ હતી. દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનોએ તત્કાળ આરોપી એએસઆઈની ધરપકડ કરવાની માંગણી કરી હતી. જયાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 

સાંજે મૃતકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો મૃતદેહ લઈ સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં જયાં સુધી આરોપી એએસઆઈ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ આજ સ્થળે રાખવાની જાહેરાત કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી એએસઆઈ અશ્વિન કાનગડને પકડવા માટે ત્રણેક ટીમોને કામે લગાડવામાં આવી છે.  આ ઉપરાંત આ કેસમાં ખૂન અને એટ્રોસીટીની કલમનો ઉમેરો કરાયો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *