Lok Sabha Elections 2024: લોકસભા 2024ના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ થવાનું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થશે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રૂપાલાએ રાજકોટમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરી હતી.
રૂપાલાએ ક્ષત્રિયોને અપીલ કરી
છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમણે ક્ષત્રિય અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે રૂપાલાએ બે વખત માફી માગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. આ દરમિયાન આજે રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પેહલા રૂપાલાએ એક સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે ‘આજે જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’
બેઠક બાદ પણ વિવાદન ન ઉકેલાયો
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.