બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ કરવાનું પ્રકરણ ન્યાયનાં હિતમાં જામીન પર મુક્ત કરવાનું ઉચિત ન જણાતા જૂનાગઢ સેશન્સ જજે હુકમ કર્યો
જૂનાગઢ, : ફ્રીઝ કરેલા બેંક ખાતા અનફ્રીઝ કરવાના બદલામાં પૈસા માંગી તોડ કરવાના કેસમાં સસ્પેન્ડેડ સીપીઆઇ તરલ ભટ્ટે જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી થઈ હતી. જેમાં ન્યાયના હિતમાં જામીન આપવા ઉચિત ન જણાતા સેશન્સ જજે તરલ ભટ્ટની જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો.
જૂનાગઢ એસઓજી દ્વારા ક્રિકેટ સટા અને ઓનલાઈન ગેમ્સ રમતા લોકોના ખાતા ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરવાના બદલામાં ખાતામાં જમા રકમના 50 ટકા રકમ લાંચ પેટે માંગવા મામલે એસ.ઓ.જી. પી.આઈ. એ.એમ. ગોહિલ, એ.એસ.આઈ. દિપક જાની અને માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન ફોર્જરીની કલમ દૂર કરી પુરાવાના નાશ કરવાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7અને 12 અને કલમ 9 અન્વયે નોન કોગ્નિઝેબલ ગુના છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં કઈ કલમ જામીન લાયક છે કે કેમ તેનો ઉલ્લેખ નથી પરંતુ આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે ક્રિમિનલ પ્રો. કોડના શેડયુલમાં છેલ્લે કેટલી સજા હોય તે પોલીસ અધિકાર, જમીન કે કઈ કોર્ટથી ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તે સૂચિ પ્રકરણ 23માં છે. ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 7-12માં મહત્તમ સજાની જોગવાઈ સાત વર્ષ છે. આ ગુનો બિનજામીનલાયક હોવાથી સેશન્સ જજ એચ.એ. દવેએ બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ તરલ ભટ્ટની જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો. આથી તરલ ભટ્ટે હજુ જેલમાં જ દિવસો કાઢવા પડશે.