– 2 શખ્સોને ઝડપી 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

– પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

આણંદ : આણંદ પાસેના ચિખોદરા ગામની સીમમાં આવેલ તલાવડી પાસેની એક રહેણાંક સોસાયટીના મકાનમાં આણંદ ગ્રામ્ય પોલીસે ઓચિંતો છાપો મારી બનાવટી વિદેશી દારૂ બનાવી વેચાણ કરવાનું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડી કુલ્લે રૂા.૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આણંદ પાસેના ચિખોદરા ગામની સીમમાં આવેલ સેજા તલાવડી નજીકની નારાયણ કુટીર સોસાયટીના એક મકાનમાં બાબુભાઈ ભીખાભાઈ તળપદા બનાવટી વિદેશી દારૂ બનાવવાનું રેકેટ ચલાવી રહ્યો હોવાની ગુપ્ત બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા સ્થળ પરથી બે શખ્સો બોટલોમાં વિદેશી દારૂ ભરતા મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા બંને શખ્સના નામઠામ અંગે પૂછપરછ કરતા નરસિંહભાઈ રામાભાઈ તળપદા અને મહેન્દ્ર ઉર્ફે કાભઈ ગોરધનભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કુલ ૭૦ ક્વાટરીયા તથા ૩૫ લીટરના ત્રણ ખાલી કારબા, ૪૦ કાચની બોટલો, સીલ મારવાનો રોલ, ફોન, ટુવ્હીલર મળી કુલ્લે રૂા.૩૦,૫૯૨નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરતા આ વિદેશી દારૂ મુખ્ય સૂત્રધાર બાબુભાઈએ બનાવી આપ્યો હોવાનું અને તેઓ બોટલોમાં ભરી રહ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર બાબુભાઈ તળપદા સ્પીરીટ તેમજ કલરને પાણીમાં ભેળવી વિદેશી દારૂ બનાવ્યા બાદ કાચની ક્વાટરીયાની ખાલી બોટલોમાં ભર્યા પછી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો ચોંટાડી વેચાણ કરતો હતો. હાલ તો મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું તેમજ ક્યાં ક્યાં અને કોને કોને આ જથ્થો વેચવા માટે આપતો હતો જેવી બાબતો અંગે ખુલાસો થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *