Vadodara Crime News : 15 વર્ષ પહેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા બાદ ફર્લો રજા મેળવી 11 વર્ષથી પોતાની ઓળખ છુપાવી કર્મકાંડી મહંત બની ગયેલા આરોપીને રાજસ્થાનના જયપુરથી જીલ્લાના પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો હતો. 

અમદાવાદ શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બાબુરામ વિદેશીયારામ શર્મા (રહે. જાદવ શેઠની શેરી, અમરાઇ વાડી, અમદાવાદ)ની ઓગષ્ટ 2008 માં પાડોશમાં રહેતા ભોલારામ દુર્ગાપ્રસાદ શર્મા સાથે રીક્ષા પાર્કિંગ અંગે તકરાર બાદ તલવારનો જીવલેણ ઘા મારીને ભોલારામની હત્યા કરી હતી. ઓગષ્ટ 2011માં સિટી સેશન્સ ભદ્ર કોર્ટ, અમદાવાદ ખાતે કેદી બાબુરામ વિદેશીયારામ શર્માને આજીવન કેદની સજા જાહેર કરવામાં આવી હતી. જે બાદ ડિસેમ્બર 2013 ના રોજ તે 14 દિવસની ફર્લો રજા મંજૂર કરાવીને બહાર નીકળ્યાં બાદ ફરાર થઇ ગયો હતો. 

આરોપીએ ફર્લો રજા દરમિયાન તેનું રહેણાંક સરનામું પત્નીના પિયર ભાણપુર, પાદરા વડોદરાનું લખાવ્યું હતું. રજા દરમિયાન તે ત્યાં વસવાટ કરતો હતો. જે બાદ આજદિન સુધી તે ભાગતો ફરતો હતો. 

દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે બાબુરામ ગુજરાત છોડીને અયોધ્યામાં હેર સલુન ચલાવે છે. પરંતુ લાંબા સમયથી તે પોતાનું નામ અને ઓળખ બદલીને ઉત્તર ભારતમાં ફરી રહ્યો છે. બાબુરામ પંજાબ-હરિણાયામાં હોવાથી 7 દિવસથી ટીમ પંજાબ હરિયાણામાં તપાસમાં હતી. દરમિયાન બાબુરામ રાજસ્થાનના જયપુરમાં કોઇ આશ્રમમાં કર્મકાંડી બ્રાહ્મણ બની નવો વ્યવસાય ચલાવી રહ્યો છે તેવી માહિતીના આધારે  50 લાખની જનસંખ્યા ધરાવતા જયપુરમાં આરોપીને શોધવા કવાયત હાથ ધરી હતી. જયપુર મહાનગરમાં ઢગલામાંથી સોય શોધવા જેવી કપરી કામગીરીમાં ટીમે વિતેલા 4 દિવસથી દિવસ-રાત એક કરીને અલગ અલગ આશ્રમો-સાધુઓના અખાડામાં આરતી પૂજનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. સંતો મહંતો સાથે પરિચય કેળવ્યો હતો. દરમિયાન માહિતી મળી કે, મહંત શંકરા નારાયણ બ્રાહ્મણ ન હોવા છતાં કર્મકાંડી તરીકે સવેતન પૂજા પાઠ કરે છે. જેના આધારે બાબુરામને જામડોલી ગામના મકાનમાં વાસ્તુ પુજનમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *