– મહેમદાવાદના પગપાળા સંઘને ભાવનગરમાં અકસ્માત નડયો
– મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા, મહેમદાવાદથી 40 શ્રધ્ધાળુનો સંઘ ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરે જવા નીકળ્યો હતો
સનેસ પાસે ભાંગતી રાત્રે સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવની મળતી વિગત અનુસાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતેથી ગત તા.૯-૪-૨૦૨૪ના રોજ ૪૦ જેટલા શ્રધ્ધાળુઓનો પદયાત્રા સંઘ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો. આ પદયાત્રા સંઘ ગઈલકો રાત્રિના સમયે ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે પહોંચતા ત્યાં મોમાઈ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કરી મધરાત્રિના સવા ત્રણેક વાગ્યાના અરસામાં પદયાત્રિકોએ ખોડિયાર મંદિર જવા માટે ફરી પદયાત્રા શરૂ કરી હતી. દરમિયાનમાં ઉતારાથી હજુ પોણો કલાક જેટલું જ ચાલીને અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા સનેસ ગામે પહોંચતા અહીં ખોડિયાર હોટલ ખાતે ચા-પાણી પીવા માટે પદયાત્રિકોએ ટૂંકું રોકાણ કર્યું હતું. ચા-પાણી પીધા બાદ સાત-સાતના ગુ્રપમાં પદયાત્રિકો રોડની સાઈડમાં ડાબી બાજુના સફેદ પટ્ટાની અંદર ચાલીને સનેસ પોલીસ સ્ટેશનથી માઢિયા તરફ જવા નીકળ્યા ત્યારે પરોઢિયાના સમયે સવારે ૪ કલાકના અરસામાં પાછળથી યમદૂત બનીને આવી રહેલ ભાવનગર પાસિંગનો ટ્રકના ચાલકે સાત પદયાત્રીને અડફેટે લઈ કચડી નાંખી ટ્રક લઈ શખ્સ નાસી ગયો હતો.
આ ગોઝારા અકસ્માતની ઘટનામાં ઈજા પામેલા સાતેય શ્રધ્ધાળુને ૧૦૮ મારફતે ગાબડતોડ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઈજા પામેલા ધીરૂભાઈ ઉર્ફે ચંગભાઈ ઉદેસંગભાઈ ગઢવી (ઉ.વ.૬૦), તેમનો પુત્ર વિજયદાન ધીરૂભાઈ ગઢવી (ઉ.વ.૩૫, રહે, બન્ને ચંદ્રાસણ, તા.કડી, જિ.મહેસાણા) અને પ્રતાપસિંહ ભીમસિંહ ચૌહાણ (ઉ.વ.૩૦, રહે, વરસોડા ગામ)ને ગંભીર ઈજા થતાં તેમના કરૂણ મોત થયા હતા. જ્યારે બકાભાઈ છોટાભાઈ પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે બાબુભાઈ બચુભાઈ ડાભી, મેલાભાઈ કનુભાઈ ડાભી, ગુલાબસિંહ રાઠોડને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરસોડા અને ખુમરવાડ ગામના ચાર પૈકીના એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયાનું જાણવા મળ્યું છે.
રાજપરા ખોડિયાર મંદિરે આવી રહેલા પદપાળા સંઘના સાત પદયાત્રિકોને અડફેટે ચડાવી ટ્રકચાલક શખ્સ સામે ઈજાગ્રસ્ત બાબુભાઈ બચુભાઈ ડાભી (ઉ.વ.૪૨, રહે, ખુમરવાડ, તા.મહેમદાવાદ, જિ.ખેડા)એ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ પીએસઆઈ એમ.સી. ચુડાસમાએ હાથ ધરી છે.
વધુમાં મૃતકોનું ભાવનગરમાં પીએમ થયા બાદ તેમના વતન લઈ જઈ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સંઘને નડેલા ગોઝારા અકસ્માતના પગલે ગમગીની છવાઈ ગઈ હતી.
39 વર્ષથી પગપાળા સંઘ ખોડિયાર મંદિર આવતો હતો
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી દર વર્ષની પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા દર્શન માટે સંઘ રવાના થતો હતો. આ પરંપરા છેલ્લા 39 વર્ષથી ચાલતી હતી.
ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે સંઘ રવાના થયા બાદ આઠમના દિવસે રાજપરા ખોડિયાર મંદિર પહોંચી માંઈભક્તો શ્રધ્ધાભેર માતાજીના દર્શન કરતા હતા.આ સંઘમાં અલગ-અલગ ગામ, જિલ્લામાંથી પણ માંઈભક્તો જોડાતા હતા તેમ સંઘમાં જોડાયેલા શ્રધ્ધાળુએ જણાવ્યું હતું.
કુંભારવાડામાં ટ્રક મુકી ડ્રાઈવર ફરાર
સનેસ ગામ નજીક નેશનલ હાઈવે-૭૫૧ પર માઢિયા રોડ પર સરકારી સ્કૂલ સામે કાળમુખા ટ્રકે ત્રણ માંઈભક્તને કચડી નાંખી મોતના મુખમાં ધકેલી દીધા બાદ શખ્સ ટ્રક લઈને ભાવનગર તરફ નાસી ગયો હતો અને ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રકને રોડ પર જ મુકી શખ્સ ફરાર થઈ જતાં પોલીસે દોડી જઈ ટ્રક કબજે કરી ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી હતી.