Image Source: Twitter
ઈઝરાયેલ પર ઈરાને આખરે હુમલો કરી દીધો છે. ઈરાને લગભગ 150 ક્રુઝ મિસાઈલો અને 200 જેટલા ડ્રોન ઈઝરાયેલ પર લોન્ચ કર્યા હતા.
જોકે ઈઝરાયેલ પહેલેથી જ તૈયાર હતુ અને તેના કારણે મોટા ભાગની મિસાઈલ્સ અને ડ્રોન હવામાં જ તબાહ થઈ ગયા હતા. દુનિયાએ આ હુમલામાં ફરી એક વખત ઈઝરાયેલની અભેદ એર ડિફેન્સનો પરચો જોયો હતો.
ઈરાનની મિસાઈલ્સ જેવા ઈઝરાયેલની હવાઈ સીમા નજીક પહોંચી હતી કે, ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. હમાસના હુમલામાં ઈઝરાયેલ ધોકો ખાઈ ગયુ હતુ પણ ઈરાનના હુમલા માટે તેણે પહેલેથી જ તૈયારી કરી દીધી હતી. જેના કારણે મોટાભાગની મિસાઈલો અને ડ્રોન ઈઝરાયેલની ધરતી સુધી પહોંચી શક્યા નહોતા.
ઈઝરાયેલ પાસે મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ પૈકી એરો મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અમેરિકાની મદદથી તૈયાર કરવામાં આવી છે. જેનાથી લાંબા અંતરના મિસાઈલોને વાયુ મંડળમાં પહોંચતા પહેલા જ ટાર્ગેટ કરવામાં આવે છે. તાજેતરમાં યમનમાંથી હૂતી વિદ્રોહીઓ દ્વારા લોન્ચ કરાયેલી લાંબા અંતરની મિસાઈલોને આ સિસ્ટમે તોડી પાડી હતી.
અન્ય એક ડેવિડ સ્લિંગ મિસાઈલ સિસ્ટમ મધ્યમ અંતરના મિસાઈલોનો ખાતમો બોલાવવા માટે ઈઝરાયેલ ઉપયોગમાં લે છે.આ માટે પણ અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરી છે.
ઈઝરાયેલ પાસે અમેરિકાની પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ પણ છે. અમેરિકાએ સૌથી પહેલા તેનો ઉપયોગ 1991માં કર્યો હતો. ઈઝરાયેલે આ સિસ્ટમની મદદથી સદ્દામ હુસેને લોન્ચ કરેલી સ્કડ મિસાઈલો તોડી પાડી હતી. આ સિસ્ટમે ઈઝરાયેલને દરેક વખતે ભારે મદદ કરી છે. તેની સફળતાનો દર 90 ટકા છે.
ઈઝરાયેલ હાલમાં લેસર ટેકનોલોજીથી ડ્રોન અને મિસાઈલ હુમલાને ખાળવા માટેની ટેકનોલોજી પર કામ કરી રહ્યુ છે. જે ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે. કારણકે તે વર્તમાન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કરતા ઘણી સસ્તી છે. જોકે હજી સુધી તેને ઓપરેટ કરવામાં આવી નથી.