Image Source: Twitter
ઈઝરાયેલે સીરિયા સ્થિત ઈરાનની કોન્સ્યુલેટ પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ઈરાને બદલો લેવા માટે 200 જેટલી ક્રુઝ મિસાઈલો અને ડ્રોન ઈઝરાયેલ પર ઝીંકી દીધા છે.
હવે ઈરાને યુએનને પત્ર લખીને આ ગજગ્રાહને ખતમ કરવા માટે અપીલ કરી છે. યુએનમાં ઈરાનના સ્થાયી પ્રતિનિધિએ કહ્યુ હતુ કે, ઈરાને કરેલી સૈન્ય કાર્યવાહી સીરિયામાં ઈઝરાયેલે અમારા ડિપ્લોમેટિક પરિસરો પર કરેલા હુમલાના જવાબમાં હતી અને ઈરાને આ કાર્યવાહી યુએન ચાર્ટરના અનુચ્છેદ 51 પ્રમાણે કરી છે.
ઈરાનનુ કહેવુ છે કે, હવે આ ગજગ્રાહનો અંત આવી ગયો છે તેવુ કહી શકાય છે પણ જો ઈઝરાયેલ વધુ એક હુમલાની ભૂલ કરશે તો ઈરાનની વળતી પ્રતિક્રિયા ઘણી ગંભીર હશે. આ લડાઈ અમારી અને દુષ્ટ ઈઝરાયેલ વચ્ચે છે. અમેરિકાએ તેનાથી દૂર રહેવાની જરૂર છે.
ઈરાને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને લખેલા પત્રમાં કહ્યુ છે કે, એક એપ્રિલે ઈઝરાયેલે ઈરાનની કોન્સ્યુલેટ પર હુમલો કરીને રેડ લાઈન ઓળંગી હતી અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો હતો પણ તેની સામે યુએન દ્વારા ચૂપ્પી સાધવામાં આવી હતી. આમ યુએન તથા યુએનની સિક્યુરિટી કાઉન્સિલ શાંતિ તેમજ સુરક્ષાનો માહોલ જાળવી રાખવાની પોતાની કામગીરીમાં ઉણી ઉતરી છે.
ઈરાનનુ કહેવુ છે કે, અમે તો યુએનના એક જવાબદાર સભ્ય દેશ તરીકે આંતરરાષ્ટ્રીય કાયદાનુ અને સિધ્ધાંતોનુ પાલન કરવા માટે પ્રતિબધ્ધ છે. ઈરાન મિડલ ઈસ્ટમાં પહેલેથી ચાલી રહેલા સંઘર્ષમાં વધારે ભડકો કરવા માટે ઈચ્છતુ નથી પણ ઈરાન સામે કોઈ પણ જાતનો ખતરો સર્જાશે તો તે પોતાના લોકોની અને પોતાના હિતની સુરક્ષા કરવા માટે કાર્યવાહી કરશે.