Amir Sarfraz Shot Dead : પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. લાહોરમાં અંડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. અમીર સરફરાઝ એ જ છે જેમણે 2013માં પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIના ઈશારે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝે સરબજીતની પૉલીથિનથી ગળું દબાવીને અને માર મારીને હત્યા કરી દીધી હતી. પંજાબના સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો.
1990માં અજાણતા પાકિસ્તાન પહોંચી ગયા હતા સરબજીત
જણાવી દઈએ કે, સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન બોર્ડર પર વસેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામના ખેડૂત હતા. 30 ઓગસ્ટ 1990ના રોજ તેઓ ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં પહોંચચી ગયા હતા. અહીં પાકિસ્તાન આર્મીએ તેમની ધરપકડ કરી લીધી હતી. લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી બનાવીને સરબજીત સિંહને જેલમાં બંધ કરી દેવાયા. આ બોમ્બ બ્લાસ્ટમાં 14 લોકોના મોત થયા હતા. 1991માં બોમ્બ બ્લાસ્ટના આરોપમાં સરબજીત સિંહને ફાંસીની સજા સંભળાવાઈ હતી. સરબજીત સિંહ પર લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓએ હુમલો કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને તેમને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.