આદિવાસી અને વાલ્મિકી સમાજના મસિહા પૂ. ઠક્કર બાપાની 155મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લામાં ભીલ સેવામંડળ સંચાલિત 57 આશ્રમ શાળાઓમાં પ્રભાતફેરી ભજનો રાષ્ટ્રભક્તિ ગીતોના કાર્યક્રમો આજે યોજાનાર છે.
દાહોદ જિલ્લાના આર્થિક ,સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં સિંહફળો આપનાર અમરતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કરબાપાએ સમગ્ર જીવન આદિવાસીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે વનવાસીઓમાં અક્ષરજ્ઞાન, પાઠશાળા, સંસ્કાર કેન્દ્રો અને મહિલા સ્વાવલંબન જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. 1892થી 1932 સુધી ગુજરાત અત્યંત સેવા મંડળના નેજા હેઠળ નડિયાદ તથા ગોધરામાં બે આશ્રામો તથા 30 પાઠશાળાઓ શરૂ કરી હતી. તેમની સાથે ડાહ્યાભાઈ નાયક, લક્ષ્મીકાંત શ્રીકાંત, અંબાલાલ વ્યાસ, પાંડુરંગ વણીકર, સુખદેવકાકા, મોરારજી દેસાઈ, ઈન્દુલાલ યાજ્ઞિક તેમની સાથે જોડાયા હતાં. કાલે 10.30 કલાકે ભીલસેવા મંડળ કાર્યાલય, ઉ.બુ. કન્યા વિદ્યાલય અને ભીલકન્યા આશ્રમના સંયુક્ત ઉપક્રમે ભીલ કન્યા આશ્રમ ખાતે ઠક્કરબાપા, સુખદેવકાકા, મોરારજી દેસાઈ, લક્ષ્મીદાસ શ્રીકાંત, ડાયાભાઈ નાયકની પ્રતિમાને પુષ્પાંજલિ અને પ્રાર્થના સભા સંસ્થાના પ્રમુખ શાંતિભાઈ નિનામાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.