Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે. રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી હોવા છતાંય આ મામલો થાળે પડ્યો નથી. હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે. રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવશે.
મહિલાઓએ નવી રણનીતિ બનાવી
અહેવાલો અનુસાર, પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે. જેમાં રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ આ જાહેરાત કરી હતી. તૃપ્તિબા રાઓલે જણાવ્યું છે કે, આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું.’ નોંધનીય છે કે, 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે.
રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં નો-એન્ટ્રી
પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યાં છે કે, જ્યા સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે અત્યારથી ભાજપ વિરુધ્ધ માહોલ જામ્યો છે ત્ય અને ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.