માથામાં ધોકો ફટકારી પતાવી દેવાયાનું તારણ
કુવાડવા રોડ પોલીસે બે ત્રણ શકમંદોની પૂછપરછ શરૃ કરી, દારૃ પીવાના ડખ્ખામાં હત્યા થઈ કે કેમ તે દિશામાં તપાસ
હોટલ પાસેના ખુલ્લા પ્લોટમાંથી આજે સવારે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મઘરવાડામાં
વાડીમાં મજુરી કરતાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કુવાડવા રોડ પોલીસે
ખુનનો ગુનો દાખલ કરી બે-ત્રણ શકમંદોની પૂછપરછ શરૃ કરી છે.
હત્યાનો ભોગ બનનારનું નામ પાકટીયા પાડવીભાઈ ગેદરીયા
(ઉ.વ.૩પ) છે. તે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાનાં ગામમાં રહે
છે. તે મઘરવાડા ગામે વાડીમાં મજુરી કરવાની સાથો-સાથ સેન્ટીંગ કામ ઉપરાંત ભંગારની
ફેરી પણ કરતો હતો. બે દિવસ પહેલા તે વાડીએથી નીકળી ગયા બાદ લાપત્તા બની ગયો હતો.
આખરે આજે તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
જે અંગે જાણ થતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, કુવાડવા રોડ
પોલીસનો સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. લાશ નજીકથી
લાકડાનો ધોકો મળી આવતાં તેના વડે હત્યા કરાયાના તારણ પર પોલીસ પહોંચી હતી. સ્થળ પર
જરૃરી કાર્યવાહી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડી હતી. પોલીસે
મૃતકના મોટાભાઈ ધુલજી (ઉ.વ.૩૬,
રહે. હાલ આણંદા ગામ, તા.
જોડીયા) કે જે ખેત મજુરી કરે છે,
તેની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ખુનનો ગુનો દાખલ કર્યો હતો.
જોકે જયાંથી લાશ મળી તેની આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી
કેમેરા ન હોવાથી પોલીસનું કામ મુશ્કેલ બન્યું છે. આમ છતાં પોલીસે તપાસ આગળ ધપાવી
બેથી ત્રણ શકમંદોની પૂછપરછ કરી છે. જેઓ દારૃ પીવાની કૂટેવ ધરાવે છે. દારૃ પીવાની
માથાકૂટમાં હત્યા થઈ કે કેમ તે બાબત પોલીસ ચકાસી રહી છે.
હત્યાનો ભોગ બનનાર પાકટીયા પાંચ ભાઈમાં ચોથા નંબરનો હતો.
સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પત્ની અને સંતાનો વતનમાં રહે છે.