તરવૈયાઓની ટીમ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ
ધોરાજીની શાળામાં અભ્યાસ કરતો ધો.૧રનો વિદ્યાર્થી રાજકોટ ખાતે ગુજકેટ આપ્યા બાદ મિત્રો સાથે દ્વારકા દર્શનાર્થે આવ્યો હોવાનું ખુલ્યું
બન્યો હતો. તાલાલા તાલુકાના અનીડા ગામે રહેતો અને ધોરાજીની શાળામાં અભ્યાસ કરતો
ધો.૧રનો વિદ્યાર્થી મિત્રો સાથે દ્વારકા ખાતે દર્શનાર્થે આવ્યા બાદ આજે સવારના
અરસામાં દરિયામાં ન્હાવા પડતા પાણીમાં ગરક થઈ જતાં તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ
હાથ ધરાઈ છે. તરૃણનો મોડી સાંજ સુધી કોઈ
પત્તો મળ્યો નથી.
યાત્રાધામ દ્વારકામાં સતત બીજા દિવસે કરૃણ બનાવ બન્યો છે.
ગઈકાલે રહેણાંકમાં આગથી ચારના મોતના બનાવ બાદ આજે સવારે દ્વારકાના દરિયામાં ન્હાવા
પડેલો વિદ્યાર્થી લાપત્તા બન્યો છે. બનાવની વિગત મુજબ તાલાલા તાલુકાના અનીડા ગામે
રહેતો જય ભાવસિંગભાઈ પરમાર ધોરાજીની શાળામાં ધો.૧ર સાયન્સમાં અભ્યાસ કરે છે.
આ વિદ્યાર્થી ગઈકાલે રાજકોટ ખાતે ગુજકેટની પરીક્ષા આપ્યા બાદ ૮ થી ૧૦ મિત્રો
સાથે રાજકોટથી દ્વારકા દર્શનાર્થે આવ્યો હતો. દરમિયાન દર્શન બાદ આજે સવારે તમામ
મિત્રો ગોમતીઘાટના સામા કાંઠે આવેલા પંચકૂઈ દરિયાઈ વિસ્તાર તરફ ફરવા ગયા હતા અને
ત્યાંના દરિયામાં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ ન્હાવા પડયા હતા.
ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ પૈકી જય પરમાર દરિયાના પાણીમાં
ખેંચાઈને લાપત્તા બનતા મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં જ દ્વારકાની
રેસ્કયુ ટીમ તથા પોલીસ દોડી ગઈ હતી. સ્થાનિક બોટ ચાલકોની મદદ વડે તરવૈયાઓની ટીમે
પાણીમાં લાપત્તા બનેલા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ
સુધી ડૂબેલા વિદ્યાર્થીનો કોઈ પત્તો મળ્યો
નથી. બનાવ અંગે વિદ્યાથીના પરિવારને જાણ કરતા તેઓ દ્વારકા ખાતે દોડી આવ્યા હતા. તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ જારી રખાઈ
છે.