Lok Sabha Elections 2024: દેશભરમાં ચૂંટણી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, કેટલીક જગ્યાએ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, તો કેટલીક જગ્યાએ સમ્માન થઈ રહ્યા છે, તેવામાં કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં 5 ન્યાય અને 25 ગેરંટી પર ફોકસ કર્યું છે. જેમાં મુખ્યત્વે ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, યુવા ન્યાય, શ્રમિક ન્યાય, સમાન ન્યાયનો સમાવેશ થાય છે. ઘોષણા પત્રમાં કેટલાય વાયદા કરવામાં આવ્યા છે. જેમ કે, જ્ઞાતિની વસ્તી ગણતરી કરવા અને ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા. પરંતુ કેટલાયે વાર એવું જોવા મળતું હોય છે કે, પાર્ટીએ આપેલા તેના વચનો પૂરા નથી કરતી.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, જો કોઈ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા નથી કરતાં શું તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ? જો થાય છે તો શું પગલાં લેવામાં આવે છે?
શું હોય છે ચૂંટણી ઢંઢેરો?
ચૂંટણી ઢંઢેરો સામાન્ય રીતે જનતા માટે એક માપદંડ તરીકે કામ કરે છે, જેમા સંબંધિત રાજકીય પક્ષની વિચારધારા અને જાહેર જનતા માટે તેમની નીતિઓ અને કાર્યક્રમોની વિગતો આપવામાં આવતી હોય છે. પક્ષોના ચૂંટણી ઢંઢેરોની તુલના કરીને દરેક મતદારો નક્કી કરી શકે છે કે તેઓ કયા પક્ષને મત આપવા માગે છે. એવું જોવામાં આવ્યું છે કે ઘણી પાર્ટીઓ તેમના ચૂંટણી ઢંઢેરોમાં મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેઓએ આપેલા વચનો પૂરા કરવામાં 100 ટકા સફળ રહેતા નથી. શું તેઓ તેમના વચનો પાળવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે?
ચૂંટણી ઢંઢેરા પર કોર્ટે કેવા નિર્ણયો આપ્યા છે?
ચૂંટણી ઢંઢેરો અને પાર્ટીઓએ તેમાં આપેલા વચનો પૂરા કરવાનો મામલો એકથી વધુ વખત કોર્ટમાં પહોંચ્યો છે. વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટમાં આ મામલે વકીલ મિથિલેશ કુમાર પાંડેએ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. જો કે, અરજીને ચીફ જસ્ટિસ એચએલ દત્તુ અને જસ્ટિસ અમિતાવ રોયની બેંચ દ્વારા એવું કહીને ફગાવી દેવામાં આવી હતી કે, “”શું કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે જે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને કોઈપણ રાજકીય પક્ષ સામે લાગુ કરી શકે?” એટલે તેનો મતલબ એવો થયો કે, પક્ષ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા કાયદાકીય રીતે બંધાયેલો નથી.
ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા ન કરનાર રાજકીય પક્ષોને સજા ન કરી શકાય: અલ્હાબાદ હાઈકોર્ટ
2022 માં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તત્કાલિન પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા ન કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ રાજકીય પક્ષોને સજા કરી શકાય નહીં.
આ કેસની કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ દિનેશ પાઠકે કહ્યું હતું કે, ‘કોઈપણ રાજકીય પક્ષ દ્વારા જારી કરવામાં આવતો ચૂંટણી ઢંઢેરામાં તેમની નીતિ, વિચારધારા અને વચનોનું એક નિવેદન છે, જે બંધનકર્તા નથી અને તેને કાયદાની અદાલતો દ્વારા લાગુ ન કરી શકાય.
શું રાજકીય પક્ષોને કોઈપણ પ્રકારનું વચન આપવા માટે છૂટ છે?
એવું પણ નથી કે, રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તેમના ઢંઢેરામાં કોઈપણ પ્રકારના વચનો આપી શકે છે. ચૂંટણી સમયે તમામ પક્ષો વચ્ચે દરેક પ્રકારે સમાનતા જાળવાઈ રહે તે માટે સુપ્રીમ કોર્ટે 2013 માં ચૂંટણી પંચને નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણી ઢંઢેરા પર દિશા- નિર્દેશ માર્ગદર્શિકા તૈયાર કરે, જે આદર્શ સંહિતા તરીકે સામેલ કરવામાં આવશે.
‘જોકે ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનોને RP એક્ટની કલમ 123 હેઠળ ‘ભ્રષ્ટ આચરણ ‘ તરીકે ગણી શકાય નહીં, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે, કોઈ પણ પ્રકારની વસ્તુઓ મફતમાં વહેચીને મતદારોને પ્રભાવિત કરે છે.
ચૂંટણી ઢંઢેરા સંબંધિત દિશા- નિર્દેશ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પાર્ટીઓ સાથે ચૂંટણી ઢંઢેરા બાબતે ચર્ચા કરી હતી. ત્યાર બાદ પંચે ચૂંટણી ઢંઢેરાને લઈને એક દિશા- નિર્દેશ એટલે કે આદર્શ માર્ગદર્શિકા તૈયાર કરી છે. હાલમાં કોઈ પણ પક્ષ ચૂંટણી ઢંઢેરામાં એવી વાતો કહી શકે નહીં જે બંધારણની વિરુદ્ધ હોય.
જો કે, એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં નેતાઓ જનતાને અલગ- અલગ વચનો આપતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે પંચે 2019ના તેના આદેશમાં કહ્યું હતું કે, રાજકીય પક્ષો પાસે એવી આશા કરવામાં આવે છે કે, ચૂંટણી ઢંઢેરામાં વ્યાપકપણે નાણાકીય જરુરિયાતોને પહોચી વળવા રીતો વિશે જણાવે.