એમ્બ્રોડરીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
ઘરમાંથી પત્નીને એક સુસાઈડ નોટ પણ મળી આવી
ત્રણ વર્ષ પહેલા વેપારીએ લીધા હતા પૈસા
વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો વધુ એક બનાવ અમદાવાદ શહેરમાં બનવા પામ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એમ્બ્રોડરીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં ઓઢવ પોલીસે કોંગ્રેસ નેતા સહિત કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે.
2 સપ્ટેમ્બરના રોજ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા વિરાટ નગર ચર્ચની પાછળ પદ્મશાળી સોસાયટીમાં રહેતા ડેનિશ પરમાર નામના વેપારીએ બીજી સપ્ટેમ્બરના રોજ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેના ઘરમાંથી પત્નીને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે આધારે પોલીસે ગુનો નોંધી આત્મહત્યા માટે પ્રેરવા બદલ યોગેશ જૈન અને પ્રમોદ શાહની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં યોગેશ જૈન કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
વ્યવસાયમાં થોડા મહિનાઓથી મંદી હોવાથી વ્યાજ અને પૈસા ભરી શકતો ન હતો
એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા ડેનીશ પરમારે ત્રણ વર્ષ પહેલા પિતા બિમાર પડતા પૈસાની જરૂર પડતા યોગેશ જૈન પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતાં મૃતકે પ્રમોદ શાહ પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે ડેનિશ હપ્તે હપ્તે ચૂકવ્યા હતા. જો કે વ્યવસાયમાં થોડા મહિનાઓથી મંદી હોવાથી વ્યાજ અને પૈસા ભરી શકતો ન હતો, જેના કારણે યોગેશ જૈને તેને રસ્તામાં રોકીને હપ્તો ચૂકવવા માટે ગાળા ગાળી કરી ધમકી આપી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
આ સિવાય સુસાઈડ નોટમાં મૃતકે પ્રમોદ શાહનો વ્યવ્હાર સારો ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આરોપીએ રૂપિયા વ્યાજે આપતી વખતે મૃતક વેપારી પાસેથી ચેક લઈ પ્રોમિસરી નોટ પર સહી પણ કરાવી લીધી હતી. મૃતકે લખેલી સુસાઈડ નોટમાં તેના સાસરીયા પક્ષ તરફથી પણ તેમને હેરાન કરાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસે સાસરીયા પક્ષ તરફથી કયા પ્રકારની હેરાનગતિ થતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.