રૂપિયા દસ લાખની લાંચ માગણી કેસમાં ગુનો નોંધાયો
જીતુભાઈ કાછડીયા અને વિપુલ સુહાગ્યા સામે ગુનો નોંધાયો
શહેરમાંથી વિપુલ સુહાગિયાની ધરપકડ કરાઈ છે
સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. જેમાં રૂપિયા દસ લાખની લાંચ માગણી કેસમાં ગુનો નોંધાયો છે. તેમાં જીતુભાઈ કાછડીયા અને વિપુલ સુહાગ્યા સામે ગુનો નોંધાતા વિપુલ સુહાગિયાની ધરપકડ કરાઈ છે. રાજકારણમાં ઇમાનદાર પાર્ટીનું ટેગ લઇને ફરતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં
આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે ગુજરાતમાં સત્તામાં આવવાના સપના જોતી આમ આદમી પાર્ટીને પણ ભ્રષ્ટાચારનો ટેગ લાગ્યો છે. જેમાં ગુજરાતના સુરત શહેરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમાં કુમાર કાનાણીએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી છે. જેના આકા કેજરીવાલ જેલમાં ગયા છે એના કોર્પોરેટર પણ જેલમાં જઈ રહ્યા છે. લોકોએ વિશ્વાસ રાખી વોટ આપ્યા છે. આપના કોર્પોરેટરે લોકોનો વિશ્વાસ તોડ્યો છે.
જાણો સમગ્ર મામલો:
સુરત નગરપાલિકાના પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10 લાખ રૂપિયાની લાંચની માગણીની બાબતમાં એસીબીએ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કિસ્સામાં નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. વરાછા ઝોનના આસી. કમિશનરની ઓફિસમાં બેઠક કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ કહી કોન્ટ્રાકટ રદ કરવાની ધમકી આપી રૂ.11 લાખ માગ્યા હતા. રકઝક બાદ રૂ.10 લાખ લેવા તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ સુરત એસીબીએ વાતચીતના રેકોર્ડિંગની સીડીનું એફએસએલમાં પરીક્ષણ બાદ રૂપિયા10 લાખની લાંચની માગણીનો ગુનો નોંધી કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે.