400 પારના લક્ષ્ય સાથે ‘મોદીની ગેરંટી’ નામનો ચૂંટણી ઢંઢેરો જાહેર
ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવાશે, એક દેશ એક ચૂંટણીનો અમલ થશે, ભ્રષ્ટાચાર સામે વધુ આકરા પગલા લેવાશે
નવી દિલ્હી: કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરા કે સંકલ્પપત્રને મોદીની ગેરંટી નામ આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે અનેક વચનો આપ્યા છે. ભાજપે કહ્યું છે કે ફરી સત્તા મળશે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના તમામ ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને લાભ આપવામાં આવશે. જ્યારે અન્ય લાભાર્થીઓ માટે પણ આ યોજના શરૂ રખાશે. મધ્યમ વર્ગના લોકો માટે મકાન, સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવશે. નારી તૂ નારાયણી યોજના હેઠળ ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે.
ભાજપે વચન આપ્યું છે કે વર્ષ ૨૦૩૬માં ભારતમાં આંતરરાષ્ટ્રીય ખેલ ઓલંપિક યોજવામાં આવશે, મહિલાઓમાં સર્વાઇકલ કેંસર, બ્રેસ્ટ કેંસર વગેરેની રોકથામ અને સારવાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નારી વંદન કાયદાને લાગુ કરાશે, નેનો યૂરિયા અને પ્રાકૃતિક ખેતીથી જમીનની સુરક્ષા કરાશે, કૃષિ માળખાનો વિકાસ કરાશે, માછલી પાલકોને સી-વીડ અને મોતીની ખેતી માટે પ્રોત્સાહિત કરાશે, ગિગ વર્કર્સ, સ્થળાંતરીત શ્રમિકો, ટેક્સી, ટ્રક, ઓટો ડ્રાઇવરો, કુલી અને ઘરમાં કામ કરતા શ્રમિકોને ઇ-શ્રમ સાથે જોડીને વિવિધ યોજનાઓનો લાભ અપાશે. હાઇવે પર ટ્રક ચાલકો માટે આધુનિક સુવિધા આપીશું. ભારત યોગનું ઓફિશિયલ સર્ટિફિકેટ આપશે, ઓબીસી, એસટી, એસસી સમુદાયના લોકોને દરેક ક્ષેત્રમાં સન્માન આપીશું. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આવશે.
મોદીની ગેરંટી નામના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે વચન આપ્યું છે કે વિશ્વભરમાં રામાયણ ઉત્સવ ઉજવવામાં આવશે, અયોધ્યાનો વિકાસ કરવામાં આવશે. ૫-જી ટેક્નોલોજીનો વિસ્તાર વધારવામાં આવશે અને ૬-જી પર કામ કરવામાં આવશે. ભ્રષ્ટાચાર સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન સાથે કોમન ઇલેક્ટોરલ રોલની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે એટલે કે વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ સાથે યોજવામાં આવશે તેવું વચન પણ ભાજપે આપ્યું છે. આ ઉપરાંત ભાજપે ગેરંટી આપી છે કે ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવામાં આવશે, રેલવે લાઇનનો વધારો કરાશે, વર્લ્ડ ક્લાસ સ્ટેશનો બનાવવામાં આવશે, આગામી વર્ષોમાં વેઇટિંગ લિસ્ટની મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે. ઉત્તર, દક્ષિણી પૂર્વી ભારતમાં બુલેટ ટ્રેન કોરિડોરની ફિઝિબિલિટીનો અભ્યાસ શરૂ રખાશે. આ ઉપરાંત ૨૦૪૭ સુધીમાં ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં આવશે, પેટ્રોલની આયાત ઘટાડવાનો પ્રયાસ થશે.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૪ જૂનના રોજ પરિણામો જાહેર થાય કે તુરંત જ ભાજપના આ સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરાનો અમલ કરી દેવાશે. ગરીબો માટે ત્રણ કરોડ ઘર બનાવવામાં આવશે. મફતમાં અનાજની યોજના ૨૦૨૯ સુધી શરૂ રખાશે. પેપર લીક નિયંત્રણ માટે કાયદો લાગુ કરાશે, ખેડૂતોના ટેકાના ભાવમાં વધારો કરીશું, બુલેટ ટ્રેનનો વિસ્તાર પૂર્વ-ઉત્તર અને દક્ષિણ ભારતમાં કરાશે. મોદીએ કહ્યું હતું કે મા ભારતીના નાગરિકોના વિકાસ માટે અમને આશીર્વાદ અને શક્તિ આપો.
– ભાજપનો જુમલાપત્ર, મોંઘવારી-બેરોજગારીનો ઉલ્લેખ નથી ઃ કોંગ્રેસ
ભાજપના ચૂંટણી ઢંઢેરા કે સંકલ્પપત્રને કોંગ્રેસે જુમલાપત્ર ગણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદીની ગેરંટી જુમલાની વોરંટી છે, અગાઉ જે પણ વચનો જનતાને આપ્યા તેને પુરા કરવામાં ભાજપ નિષ્ફળ રહી છે. ખેડૂતોની આવક બમણી કરવી, યુવાઓને રોજગારી આપવી, મોંઘવારી ઘટાડવી વગેરે વચનો અધુરા છે.
કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને માફીનામા નામ આપવું જોઇએ, મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં જે વચનો પુરા નથી કર્યા તે બદલ ગરીબો, ખેડૂતો, યુવાઓ, દલિતો, ખેડૂતો સમક્ષ માફી માગવી જોઇએ. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી અને બેરોજગારી અંગે કોઇ જ ઉલ્લેખ નથી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની માગણી ટેકાના ભાવ માટે કાયદો ઘડવાનો કોઇ ઉલ્લેખ જ નથી.