(પ્રતિકાત્મક તસવીર)
Pakistan Communal Violance: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે કોમી અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે શિયા લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. તણાવ વધતા તંત્ર દ્વારા આ ક્ષેત્રોમાં અર્ધલશ્કરી દળો તહેનાત કરવામાં આવ્યા છે.
શું છે ઘટના?
ઘટનાની મળતી માહિતી મુજબ, સોમવારે (26 ઓગસ્ટ) શિયા સમુદાયના લોકો દ્વારા ઇમામ હુસૈનના ચેહલુમના અવસરે સરઘસ નીકાળવાની યોજના બનાવી હતી. જો કે, સુન્ની સમુદાયના લોકોએ સરઘસને તેમની મસ્જિદ હોય તેવા માર્ગ પર લઇ જવાનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના કાલાબાગ શહેરમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે કોમી અથડામણ શરૂ થઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં બે શિયા લોકોના મોત થયા છે અને ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કેનેડાની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીયો ચિંતિત, વિદ્યાર્થીઓમાં છેતરાયાની લાગણી પ્રબળ બની
અથડામણમાં બેનાં મોત, 30 ઘાયલ
ઘટના અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘સુન્ની સમુદાયના વિરોધ કરવા છતાં શિયા સમુદાય વિવાદિત માર્ગ પર સરઘસ નીકાળવા માટે અડગી રહ્યો હતો, જેનાથી કોમી અથડામણ થઇ હતી. સોમવારે સાંજે શરૂ થયેલી અથડામણ મંગળવાર રાત સુધી ચાલી હતી. ઘટનામાં 33 લોકો ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે શિયા પુરુષોના મોત થયા છે, જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે.’
આ પણ વાંચોઃ બલુચિસ્તાનમાં હિંસક બળવો : 14 સૈનિકો સહિત 73નાં મોત
એકસાથે ચાર લોકોના એકઠાં થવા પર પ્રતિબંધ
અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘સુન્ની સમુદાયના પુરુષોએ શિયા સમુદાય પર ગોળીબાર કર્યો હતો. આ હિંસામાં શિયા સમુદાયના વધુ ઇજાગ્રસ્તો છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે ચાર લોકોના એકઠાં થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અર્ધલશ્કરી દળો અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સતત એલર્ટ પર છે.’