– મૈદાનને સમીક્ષકોએ વખાણી પણ દર્શકો ન રિઝ્યા
મુંબઇ : ઇદના તહેવારના તાકડે રજૂ કરવામાં આવેલી બડે મિયા છોટે મિયાની કમાણી ઇદની રજાના બીજા જ દિવસે ઘટી ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. સોશ્યલ મિડિયા પર ખૂબ ગાજેલી અક્ષયકુમાર-ટાઇગર શ્રોફની ફિલ્મ પહેલાં દિવસે ઇદની રજા હોઇ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી હતી. પણ ઇદના બીજા દિવસે માંડ સાત કરોડ રૂપિયાનું કલેક્શન થયું હોવાના અહેવાલ છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ બંને માટે આ ફિલ્મ બડે મિયા છોટે મિયા સફળ થાય એ જરૂરી છે. હાલ બંને સ્ટારની કોઇ મોટી હીટ ફિલ્મ આવી ન હોઇ તેમના ચાહકોની અપેક્ષા મોટી છે. એક્શન થ્રીલરનો પ્રચાર કરવામાં નિર્માતાઓએ કોઇ કસર છોડી નથી. પણ દર્શકો વીક એન્ડમાં કેવો પ્રતિસાદ આપે છે તેના પર બધાંની નજર છે.
બીજી તરફ અજય દેવગણની મૈદાન પણ ઇદના દિવસે રજૂ થઇ હતી. સમીક્ષકોએ આ ફિલ્મને વખાણી છે પણ દર્શકોએ જોઇએ તેવી દાદ આપી નથી પરિણામે બોક્સ ઓફિસ પર તેનો દેખાવ મંદો રહ્યો હતો. મૈદાનને શુક્રવારે માંડ પોણા ત્રણ કરોડની કમાણી થઇ હોવાના અહેવાલ છે. ફૂટબોલના ખેલાડી સૈયદ અબ્દુલની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા અજય દેવગણે નિભાવી છે. દેવગણની સાથે પ્રિયામણી અને ગજરાજ રાવે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.