Central Government: છેલ્લા 5 વર્ષ દરમિયાન બેન્કોએ રૂ. 9.90 લાખ કરોડ એટલે કે રૂ. 10 લાખ કરોડ જેટલી રકમની માંડવાળ કરી હોવાની સરકારે રાજ્યસભામાં કબૂલાત કરી છે.  આ બેડ લોન સામે તે  ફક્ત 18 ટકા એટલે કે રૂ. 1.85 લાખ કરોડની રકમ જ રિકવર કરી શકી છે.  આશ્ચર્યની વાત તો એ છે કે જાહેર ક્ષેત્રની બેન્કો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) એક્ટ હેઠળ આવતી હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ એનસીએલટીમાં સેટલમેન્ટ થયું હોય તેવા મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઈનકાર કર્યો છે. 

એસબીઆઈએ મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો

આ મોટા ડિફોલ્ટરોએ એનસીએલટી હેઠળ બેડ લોનની ચૂકવણીમાં જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. મોટા ડિફોલ્ટરોના નામ છૂપાવી રાખવાની પરંપરાને જાળવતા એસબીઆઈએ છેલ્લા 7 વર્ષ દરમિયાન મોટા ડિફોલ્ટરોને રૂ. 1,30,105 કરોડની લોનમાં 65 ટકા હેરકટ સ્વીકારતા તે રૂ. 84,039 કરોડની રકમ જ વસૂલી શકી છે. પૂણે સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એસબીઆઇના શેરધારક વિવેક વેલંકરે એજીએમમાં તેની પાસેથી આ માહિતી માંગી હતી. તે સમયે એસબીઆઈએ 2016-17થી 2023-24 દરમિયાન રૂ. 100 કરોડથી વઘુ રકમના મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો. 

બેન્ક તેના ગ્રાહકની માહિતી આપવા માટે બંધાયેલી નથી : એસબીઆઇ

આ ઉપરાંત તેમણે બેડલોન જાહેર થયા પછી કેટલી રકમ તેમાથી રિકવર કરવામાં આવી હતી તે પણ સવાલ પૂછ્‌યો હતો. વિવેકને માહિતી આપવાનો ઇન્કાર કરતાં બેન્કે જણાવ્યું હતું કે એસબીઆઇ એક્ટ 1955ના સેકશન 44 હેઠળ બેન્ક તેના ગ્રાહકની માહિતી આપવા માટે બંધાયેલી નથી. છેલ્લા 8 વર્ષમાં એસબીઆઈએ રૂ. 100 કરોડથી વઘુ રકમના લોનના ડિફોલ્ટરોની કુલ રૂ. 1,44,535 કરોડની રકમ માંડવાળ કરી છે. તેમાથી તેને ફક્ત 12 ટકા એટલે કે રૂ. 17,584 કરોડની રકમ જ મળી છે.

આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસ પૂર્વે કેજરીવાલ માટે બેડ ન્યૂઝ, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા, જાણો હવે ક્યાં સુધી જેલમાં?

ડિફોલ્ટરના નામ અંગે એસબીઆઇની પોલિસી દર વર્ષે બદલાય છે

એસબીઆઈએ 2020માં અચાનક જ વેલંકરને મોટા ડિફોલ્ટરોના નામોની યાદી આપી હતી. તેમા આલોક ઇન્ડસ્ટ્રીઝ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, આઇઆરવીસીએલ અને  વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. આનો અર્થ એવો કરી શકાય કે ડિફોલ્ટરના નામ અંગે એસબીઆઇની પોલિસી દર વર્ષે બદલાય છે. કોઈ સામાન્ય ધિરાણ લેનાર નાદાર જાહેર થાય તો બેન્ક તેનું નામ પ્રકાશિત કરે છે અને તેની બધી જ વિગતો અખબારોમાં જાહેરખબરના ‌સ્વરૂપમાં પ્રકાશિત કરે છે. પણ જ્યારે મોટા ડિફોલ્ટરના નામની વાત આવે છે ત્યારે બેન્ક નામ છૂપાવે છે. આમ બેન્કના મોટા અને નાના લોનધારકોને લઈને બેવડા કાટલા છે. 

RBI અને કેન્દ્રીય નાણા મંત્રાલયે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવ્યો

મોટા ડિફોલ્ટરો સામે આકરા પગલાં લેવાના બદલે રિઝર્વ બેન્ક અને કેન્દ્રીય નાણા મંત્રાલયે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં પોતે મંજૂર કરેલી લોન બેડ લોન થશે તેવું જાણતા હોવા છતાં તેને મંજૂરી આપનારા વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કોઈ પગલાં અત્યાર સુધી લેવાયા નથી. જ્યારે કોઈ લોન બેડ લોન જાહેર થાય ત્યારે બેન્કની બેલેન્સ શીટમાંથી એસેટ તરીકે તેની બાદબાકી થાય છે, કારણ કે બેન્કને કોઈ રકમની વસૂલાતની આશા હોતી નથી. બેન્કો તેની ટેક્સ મેનેજમેન્ટ ક્લિન અપ પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયા કરે છે, પરંતુ તેના લાભાન્વિતો કેટલાક મોટા ઉદ્યોગગૃહો છે.

આ પણ વાંચો : ગૂગલ અને માઇક્રોસોફ્ટના 3 લાખ યુઝર પર મોટું સંકટ, બૅન્ક એકાઉન્ટ ખાલી થવાનું ડર, થઈ જજો ઍલર્ટ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *