Basit Ali on ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. તે પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામે ઘરઆંગણે દ્વિપક્ષીય સીરિઝ રમવાની છે. બાંગ્લાદેશ સામેની સીરિઝ 21 ઓગસ્ટથી શરૂ થવાની છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી આપી છે. તેમણે સરકારને પણ એલર્ટ કરી દીધી છે. બાસિતે કહ્યું, જો દ્વિપક્ષીય સીરિઝમાં કોઈપણ ઘટના બનશે તો પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી છીનવાઈ શકે છે.
બાસિતે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે, ‘આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે. બાંગ્લાદેશ બાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ પાકિસ્તાન આવવાની છે. આપણે સુરક્ષા ખૂબ જ ચુસ્ત રાખવી પડશે. કારણ કે જો અલ્લાહ ના કરે કે કોઈ ઘટના બની તો ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન પાસેથી જતી રહેશે. બલૂચિસ્તાન અને પેશાવરમાં આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે. આની પાછળનું કારણ શું છે તે તો સરકાર જ કહી શકે? પરંતુ આ ખોટું થઇ રહ્યું છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.’
તેને આગળ જણાવ્યું, ‘કોઈ નાની ઘટના પણ થવી ન જોઈએ. જો સુરક્ષા રાષ્ટ્પતિ અને વડાપ્રધાનને મળી શકે છે, તો આ જ સુરક્ષા વિદેશી ટીમને પણ મળવી જોઈએ. મને આશા છે કે મોહસીન નકવી (પીસીબીના અધ્યક્ષ) આ બધી બાબતોને લઈને જાગૃત હશે.ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન લાંબા સમયથી એટકી પડ્યું હતું. છેલ્લે તે 2017માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતને ફાઈનલમાં હરાવ્યું હતું.
ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહિ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)એ જણાવ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તના જશે કે નહિ તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. પીસીબીએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માટે મનાવવા માટેનું કાર્ય ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પર છોડી દીધું છે. ડ્રાફ્ટ શેડ્યૂલ અનુસાર, સંભવિત ભારતની તમામ મેચો તથા સેમિ-ફાઇનલ અને ફાઇનલની મેચો લાહોરમાં યોજાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 માર્ચે યોજાશે.