Impact of Recession : કોરોના કાળ અને ત્યારબાદ રશિયા- યુક્રેન, ઇઝરાયલ- ઈરાનના યુદ્ધથી હીરા ઉદ્યોગનો ચળકાટ ગાયબ થયો છે. જૂનાગઢનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. યુદ્ધના કારણે રફ ડાયમંડના ઊંચા ભાવ અને પોલીશ્ડ ડાયમંડની ઓછી કિંમતને લીધે પ્રોડક્શન ઘટ્યું છે, જેથી કારખાનાઓ બંધ થયા છે. આ સંજોગોમાં જૂનાગઢ જિલ્લામાં હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર સાતમ-આઠમમાં 10થી 15 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. આગામી પાંચમથી જિલ્લાના 700થી વધુ કારખાનાઓમાં મિનિ વેકેશન રહેશે. માર્કેટમાં ફેરફાર નહીં થાય તો અમુક કારખાનેદારો તો સંભવતઃ વેકેશન લંબાવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
આંબાવાડી સહિત જિલ્લાના હીરાના કારખાનાઓ પાંચમથી દોઢ-બે સપ્તાહ બંધ, પ્રોડક્શનમાં સુધારો નહીં થાય તો અમુક વેપારીઓ વેકેશન લંબાવશે
યુદ્ધના કારણે પહેલેથી જ હીરા ઉદ્યોગમાં હીરાની ચમક ઝાંખી થઈ છે. જૂનાગઢ આંબાવાડી વિસ્તારમાં હીરાના સૌથી વધુ અંદાજિત 250થી વધુ યુનિટ અને જિલ્લામાં 700 કારખાનાઓ છે. તેમાંથી 25 ટકા યુનિટ બંધ હાલતમાં છે, જેથી અનેક રત્ન કલાકારો રોજગાર વિહોણા થયા છે. જૂનાગઢમાં હીરાના કારખાનાના હબ ગણાતા આંબાવાડીમાં અગાઉ સાતમ આઠમ પર્વ પર ત્રણથી ચાર દિવસનું જ વેકેશન રહેતું ત્યારે આ વર્ષે મંદીના કારણે હીરાના કારખાનાઓમાં પ્રથમ વખત 10થી15 દિવસનું મોટું વેકેશન જાહેર કરાયું છે.
કોરોના અને તે પછી રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાનના યુદ્ધથી રફ ડાયમંડના ઊંચા ભાવ અને પોલીશ્ડ ડાયમંડની ઓછી કિંમતના લીધે હીરા ઉદ્યોગનું પ્રોડક્શન અડધો અડધ ઘટી ગયું છે. કાચા માલની કિંમતમાં વધારા સાથે વેચાણ ઓછું થવાથી બાકી રહેલા હીરાના કારખાનાઓ પણ ડચકાં ખાઈ રહ્યા છે. અગાઉ દિવાળીના ત્રણથી ચાર માસ પૂર્વે જ હીરા બજારમાં આઉટલેટ અને આગોતરા પ્રોડક્શનનું કાર્ય શરુ થઈ જતું હતું, પરંતુ આ વર્ષે માર્કેટમાં સુધારો થયો નથી તેથી રત્ન કલાકારો અને કર્મચારીઓની પણ માઠી દશા બેઠી છે.
હાલની પરિસ્થિતિમાં હીરાના વેપારમાં પડતર વધારે અને વેચાણ ઓછું થઈ રહ્યું છે. ઉપરાંત દિવાળી પૂર્વેની આગોતરી સિઝનનો પ્રારંભ થયો નથી. આગામી દિવસોમાં માર્કેટમાં સુધારો નહીં આવે તો અમુક કારખાનેદારો દ્વારા સાતમ આઠમ બાદ પણ વેકેશન લંબાવાય તેવી શક્યતા છે.
પ્રોડક્શન વધે તો જ હીરા ઉદ્યોગને મળશે જીવતદાન
જૂનાગઢ આંબાવાડી ડાયમંડ ઍસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાણપરીયાના જણાવ્યા મુજબ હીરાના ધંધાને એક પણ સરકારી સહાય મળતી નથી. હાલ જે કફોડી પરિસ્થિતિ છે તેમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આંબાવાડીમાં હીરાના ૨૫ ટકા યુનિટ બંધ છે. બજેટ બાદ સોનું સસ્તું થયું છે, પરંતુ હીરાનું પેકેજિંગ તમામ લોકોને પરવડતું નથી. આ વર્ષે અત્યાર સુધી તો પ્રોડક્શનમાં વધારો થયો નથી ત્યારે આગામી દિવાળી પૂર્વે હીરા બજારમાં તેજી આવે તો રત્ન કલાકારોને રોજગારી મળી રહેશે અને ડચકાં ખાઈ રહેલા હીરાના કારખાનાઓને બૂસ્ટર ડોઝ મળી રહેશે.