Jamnagar Shravan Maas : ‘છોટી કાશી’ ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના બીજા સોમવારે પણ ભગવાન શિવજીની ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો અને પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેઓના મુખેથી ‘હર હર મહાદેવ’નો નાદ ગૂંજયો હતો. જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જળાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી અને રુદ્રાભિષેક-જળાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમજ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.
જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શનની ઝાંખી જોવા મળી રહી છે. સાથે નગરના મોટાભાગના શિવાલયોને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયા છે જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો ભાવવિભોર થયા છે. કેટલાક શિવ મંદિરોમાં તો રાત્રિના સમયે દર્શનાર્થે આવે છે તે દરમિયાન ભાવિકો પોતાના મોબાઈલ ફોનમાં શિવ મંદિરની રોશની સાથેની સેલ્ફી પણ પડાવી રહેલા જોવા મળી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારા કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગરના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરની મધ્યમાં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.