મોરબી રાજકોટના 3 સહિત પાંચ ગુનાના ભેદ ઉકેલાયા
એક ચોરાઉન કાર કલકત્તામાંથી અને બીજી ડોક્યમેન્ટ વગરની કાર હૈદરાબાદથી સસ્તી કિંમતે ખરીદી હતી
રાજકોટ: રાજકોટમાં ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેના પાર્કિંગમાંથી ક્રાઇમ બ્રાંચે દિપ રમણીકભાઇ અઘેરા (ઉ.વ. ૨૬, રહે. ગોકુલધામ સોસાયટી, અંકુર સોસાયટી શેરી નં.૬, ઉમિયા ચોક, રાજકોટ, મુળ હિરલ પોઇન્ટ એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી)ને પકડી રૂા. ૨૨ લાખની કિંમતની બે ચોરાઉ કાર અને ત્રણ ટુ-વ્હીલર કબ્જે કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ એક નંબર પ્લેટ વગરની કાર દસેક દિવસ પહેલા કોલકત્તાથી શાહીલસિંઘ (રહે. પટના, બિહાર) મારફત અમીત નામના શખ્સ પાસેથી કાર ચોરીની હોવાનું જાણવા છતાં સસ્તી કિંમતમાં ખરીદી હતી જે અંગે ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાંચ દિલ્હી, ઇ-પોલીસ મથક ખાતે વાહન ચોરી અંગે ગુનો નોંધાયો હતો. જ્યારે બીજી કાર તેણએ બે વર્ષ પહેલા હૈદરાબાદથી તૌફિકઅલી નામના શખ્સ પાસેથી ડોક્યુમેન્ટ વગરની હોવા છતાં સસ્તી કિંમતમાં ખરીદ કરી હતી.
આ ઉપરાંત મોરબીના રવાપર પાસેથી ત્રણેક માસ પહેલા બુલેટ અને રવાપર રોડ પર કેનાલ ચોકડી પાસેથી બારેક દિવસ પહેલા સ્કુટરની ચોરી કરી હતી. જ્યારે બીજુ બુલેટ તેણે રાજકોટના ઠાકર ચોકથી કણકોટ તરફ જતાં રસ્તે તુલસી એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કરી હતી. જે અંગે રાજકોટ તાલુકામાં એક અને મોરબી એ-ડીવીઝનમાં બે ગુના દાખલ થયા હતા. જે ગુનાના ભેદ ઉકેલાઇ ગયા છે.