Surat News : શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ શિવજીની આરાધના શ્રદ્ધાપૂર્વક થઈ રહી છે. શ્રાવણ માસમાં શિવની ભક્તિ સાથે દાનનો પણ મહિમા છે. તેથી કેટલીક સંસ્થાએ શિવજીની ભક્તિ કરવા સાથે-સાથે માનવ ભક્તિ કરવાનો અનોખો સંયોગ કરી દીધો છે. સુરતની એક સંસ્થા સવારે શિવજીના મંદિરે પાણી અને દૂધનો અભિષેક કરે છે. ત્યારબાદ શહેરમાં પોષણની જરૂર છે તેવા રોજના 100 બાળકોને ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ કરી રહી છે.
સુરતમાં સેવાના કામ સાથે જોડાયેલી હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેવાડાના લોકો માટે વિવિધ પ્રકારની સેવા કરવામાં આવે છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રોજના 100 જેટલા બાળકો જેમને ખરેખર પોષણની જરૂર છે. પરંતુ તેમને જરૂરી પોષણ મળતું નથી તેવા બાળકોને શોધીને રોજ દૂધ વિતરણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
સંસ્થાના અગ્રણી જિજ્ઞેશ ગાંધી કહે છે, શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધનોનો મહિનો છે અમે રોજ સવારે શિવજીના મંદિરે જઈએ છીએ અને પાણી સાથે દુધ મિશ્રણ કરીને શિવજીને અભિષેક કરીએ છીએ. રોજ સવારે શિવજીને અભિષેક કર્યા બાદ અમે રોજના 100 બાળકોને દૂધનું વિતરણ કરીએ છીએ. બાળકો સાદું દુધ પીવા માટે આનાકાની કરતા હોય છે તેથી આ બાળકો માટે ફ્લેવર્ડ મિલ્ક લાવીએ છીએ અને રોજ 100 બાળકોને આ પ્રકારના દુધ આપીએ છીએ. આમ શ્રાવણ મહિનામાં શિવજીને અભિષેક કરવા સાથે સાથે ગરીબ અને કુપોષિત બાળકો છે તેઓની મદદ કરીને શિવ ભક્તિ કરવાનો પ્રયાસ કરીએ છીએ.