Surat Education Committee : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી ઉપરાંત પાંચ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને વધુ સારુ જ્ઞાન મળે તે માટે સરકાર અને પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને વિવિધ સામગ્રી આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓને ઉપયોગી પણ નીવડે છે. પરંતુ તમામ સાહિત્ય ફક્ત ગુજરાતી માધ્યમના બાળકો માટે જ ઉપલબ્ધ છે તેથી અન્ય માધ્યમના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેના કારણે અન્ય ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમની ભાષામાં જ્ઞાનકુંજના પ્રોજેક્ટર તેમજ ડિજિટલ સાહિત્ય પૂરું પાડવામાં આવે તેવી રજુઆત સંઘ દ્વારા કરવામાં આવી છે.
સુરતના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-સુરત મહાનગર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના એડીશન પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં માંગણી કરવામાં આવી છે કે, ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓના ભણતરમાં ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય વિદ્યાર્થી દીઠ પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં સ્લેટ, પેન્સિલ, નોટબુક, સ્વાધ્યાયપોથી, પ્રેક્ટિસ બુક, ચિત્રપોથી જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમજ અન્ય પૂરક સાહિત્યમાં ફ્લેશ કાર્ડ, સંદર્ભ પુસ્તિકાઓ, ચાર્ટ વગેરે આપવામાં આવે છે. જેના કારણે બાળકોને અધ્યયન-અધ્યાપનનું કાર્ય સારી રીતે થઈ શકે છે. પરંતુ આ સાહિત્ય માત્ર ગુજરાતી ભાષામાં જ આપવામા આવે છે.
જ્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં ગુજરાતી માધ્યમ સિવાય અન્ય 5 માધ્યમની પણ શાળાઓ પણ ચાલે છે. જેમાં ભારતના ભાવિ નાગરિકો તૈયાર થઈ રહ્યા છે. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં હજાર બાળકો અન્ય માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરે છે. તેઓ માટે પણ આ સાહિત્ય ગુજરાતી ભાષામાં જ આપવામા આવે છે. આ ઉપરાંત અન્ય માધ્યમના શાળાઓમાં જ્ઞાનકુંજના પ્રોજેક્ટર તેમજ ડિજિટલ સાહિત્ય પૂરું પાડવામાં આવેલ છે. પરંતુ તેનું માધ્યમ ગુજરાતી છે. જે સાહિત્ય ગુજરાતી ભાષામાં આપવામા આવે છે તે સાહિત્ય પાલિકા અન્ય માધ્યમની શાળા ચાલે છે તેઓ માટે તે માધ્યમમાં સાહિત્ય આપે તે જરૂરી છે. સાથે અન્ય માધ્યમના બાળકો માટે જ્ઞાનકુંજનું કન્ટેન્ટ પણ તૈયાર કરવામાં આવે. જેથી લાખો રૂપિયાના ખર્ચે આપેલ ડિજીટલ સાધનો જે દરેક શાળાને આપવામાં આવેલ છે. તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે પ્રકારની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજુઆત કરી છે.